BUSINESS

HMPV વાયરસ સહિત આ 5 કારણો.. શેરબજારમાં હાહાકાર કેમ ?

સોમવારે શરૂઆતી કારોબાર દરમિયાન શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ પરંતુ ગણતરીના કલાકોમાં જ માર્કેટમાં અચાનક જાણે કે ભૂકંપ આવ્યો. જોત જોતામાં તો માર્કેટ 1200 પોઇન્ટથી વધારે ડાઉન થઇ ગયુ. સેન્સેક્સ તૂટીને 77,964 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 388.70 પોઇન્ટ તૂટીને 23,616 અંક પર આવી ગયો. જ્યારે ઈન્ડેક્સનો ઓલ ટાઈમ હાઈ 85,978.25 પોઈન્ટ છે એટલે કે જો આ રીતે જોવામાં આવે તો સેન્સેક્સ તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ 8000 પોઈન્ટ ઘટી ગયો છે, એટલે કે 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

રોકાણકારો છેલ્લા ત્રણ મહિનાથી સતત ચિંતિત છે. છેલ્લા 3 મહિનાથી નિફ્ટી 24 હજારની આસપાસ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી મહિનામાં માર્કેટ અપ જશે. કારણ કે બજેટ 1 લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, અને સરકારનું ધ્યાન અર્થતંત્ર પર છે, તેથી ઘણા ક્ષેત્રોમાં કેપેક્સની જાહેરાત થઈ શકે છે. પરંતુ હજુ સુધી બજારને ક્યાંયથી મજબૂતી મળતી દેખાતી નથી.

6 જાન્યુઆરીએ માર્કેટ ડાઉન થવાના આ કારણો

ચીનમાં નવો વાયરસ

ચીનમાં ફરી એકવાર નવો વાયરસ સામે આવ્યો છે, જેના કારણે રોકાણકારો પરેશાન છે. ભારતીય બજારમાં ઘટાડાનું આ એક મોટું કારણ કહેવાય છે, કારણ કે ચીનમાં ફેલાયેલા આ નવા વાયરસનો પહેલો કેસ બેંગલુરુમાં જોવા મળ્યો છે. જો કે આ શરૂઆતના તબક્કામાં છે અને સરકાર સતર્ક છે, પરંતુ રોકાણકારોના મનમાંથી કોરોના મહામારીનો ડર ગયો નથી.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધઘટ

તાજેતરમાં વૈશ્વિક અર્થતંત્રમાં કેટલીક અસ્થિરતા જોવા મળી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકામાં શપથ લેશે, તેના પર આખી દુનિયાની નજર છે. જો ટ્રમ્પ કડક નિર્ણય લેશે તો તેની અસર વૈશ્વિક બજાર પર પડશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $76.66 પર પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $74.14 પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્ર માટે આ સારા સંકેત નથી. જો ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે તો તેની અસર ભારતમાં જોવા મળશે. ખાસ કરીને મોંઘવારી દરમાં વધારો થવાની શક્યતા વધી જશે.

ડૉલર સતત મજબૂત થઈ રહ્યો

ડૉલરનું મજબૂત થવું એ ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત નથી. હાલમાં એક ડૉલરની કિંમત વધીને 85.82 રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે નિકાસ અને આયાત બંનેને અસર થઈ રહી છે. જેની સીધી અસર સરકારી તિજોરી પર પડી રહી છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા પણ વેચાણ ચાલુ છે. ભારતીય બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા દરરોજનું વેચાણ છે.

ત્રીજા ક્વાર્ટરના પરિણામો અંગે સસ્પેન્સ

આ સપ્તાહથી ભારતીય કંપનીઓ ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કરવાનું શરૂ કરશે. TCS સહિત ઘણી મોટી કંપનીઓ આ અઠવાડિયે તેમના પરિણામો રજૂ કરશે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક HDFC એ ત્રીજા ક્વાર્ટર માટે અપડેટ આપ્યું છે. જે નબળા દેખાઇ રહ્યા છે. જેના કારણે આજે બજારનું સેન્ટિમેન્ટ કથળી રહ્યું છે.

આ તમામ કારણોની મિશ્ર અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. રોકાણકારો માટે ધીરજ અને સમજદારી રાખવાનો આ સમય છે. નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા ગાળે બજાર ફરી સ્થિર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારોને તેમના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર રાખવાની સલાહ આપવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button