બોલિવૂડમાં એવા અભિનેતા છે જેઓ પોતાના દમ પર આગળ આવ્યા છે. તેમની એક્ટિંગના લાખો લોકો દિવાના છે. તેવા જ એક એક્ટર કે જેઓ એક સમયે 12 લોકોની સાથે ટુબીએચકે ફ્લેટમાં રહેતા હતા તેઓ આજે કરોડો રૂપિયાની ફી વસૂલે છે. આ એક્ટર બીજુ કોઇ નહી પરંતુ કાર્તિક આર્યન છે. કાર્તિકનો આજે 34મો જન્મદિવસ છે. ત્યારે આવો કાર્તિકની બોલિવૂડ સફરની શરૂઆતથી લઇને અત્યાર સુધીની સફર વિશે જાણીએ.
બોલિવૂડમાં કરી આ ફિલ્મથી શરૂઆત
આજે કાર્તિક પાસે નેમ ફેમ અને પૈસો પણ છે. તેની પાસે કોઇ વસ્તુની કમી નથી. વર્ષ 2011માં તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી પ્યાર કા પંચનામા. જેને લવ રંજને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ માટે કાર્તિકે માત્ર 70 હજાર રૂપિયા જ ફી લીધી હતી.
કોલેજના દિવસોમાં પહેલી ફિલ્મ
કાર્તિકનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. જ્યારે તે 10મા ધોરણમાં હતો ત્યારે તેણે નક્કી કરી લીધું હતું કે તે અભિનેતા બનવા માંગે છે. જ્યારે કાર્તિક મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો તે જ સમયે તેણે એક્ટિંગમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું.
કોલેજના ત્રીજા વર્ષમાં તેને ‘પ્યાર કા પંચનામા’ માટે સિલેક્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે કોલેજ છોડી દીધી. જોકે બાદમાં તેણે ફાઈનલ પરીક્ષા આપી હતી. રિપોર્ટ અનુસાર જ્યારે કાર્તિક ‘પ્યાર કા પંચનામા’માં કામ કરી રહ્યો હતો ત્યારે તે મુંબઈના લોખંડવાલામાં રહેતો હતો. તેણે અહીં ભાડે 2 BHK ફ્લેટ લીધો હતો, જેમાં તે 12 લોકો સાથે રહેતો હતો.
મોનોલોગથી થયો ફેમસ
‘પ્યાર કા પંચનામા’માં, કાર્તિકે 5 મિનિટ 29 સેકન્ડ લાંબો મોનોલોગ બોલ્યો હતો. જે મોનોલોગને કારણે કાર્તિકને ગજબની લોકપ્રિયતા મળી. આ ફિલ્મનો બીજો ભાગ 2015માં રિલીઝ થયો હતો, જેમાં તેનો 7.8 મિનિટ લાંબો મોનોલોગ આપ્યો હતો.
કરોડો રૂપિયા ફી ?
ઉલ્લેખનીય છે કે એક સમયે પોતાની પહેલી ફિલ્મ માટે 70 હજાર રૂપિયા ફી લેનાર કાર્તિક હવે એવા સ્ટેજ પર છે જ્યાં તે કરોડો રૂપિયા ફી લે છે. તેમની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ 1 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો તેણે આ ફિલ્મ માટે 40થી 45 કરોડ રૂપિયાની ફી લીધી છે.