- ICCની મહિલા ડિરેક્ટર ઈન્દ્રા નૂયીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
- ICCએ ડિરેક્ટર પદ માટે યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી
- નૂયીનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે રેસમાં ઘણા નામો સામે આવ્યા
પેપ્સિકોની પૂર્વ CEO અને ICCની મહિલા નિર્દેશક ઈન્દ્રા નૂયીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે લગભગ 6 વર્ષ સુધી આ પોસ્ટ પર રહી. તેઓ જૂન 2018માં ICCમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. શરૂઆતમાં તેઓ બે વર્ષની મુદત માટે ચૂંટાયા હતા. બાદમાં સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકેનો તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ પૂરો થયા બાદ જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા પ્રમુખ બનવા માટે તૈયાર છે. જય શાહ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ICCએ ડિરેક્ટર પદ માટે યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે.
રેસમાં છે આ નામ
નૂયીનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે રેસમાં ઘણા નામો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમની જગ્યાએ એક ઓસ્ટ્રેલિયન મહિલાનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેગ લેનિંગનું નામ ચર્ચામાં છે. તેની સાથે ઈંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્સ પણ રેસમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્પોર્ટ્સ જગત સિવાય કોર્પોરેટ જગતમાંથી પણ કોઈ નામ સામે આવી શકે છે.
શું છે નિયમ?
બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મહિલાની શોધ હાથ ધરવામાં આવશે. આ પદ માટે માત્ર મહિલાઓને પસંદ કરવાનો હેતુ ક્રિકેટની રમતમાં સમાનતા અને વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પોસ્ટ માટે એક વ્યક્તિની પસંદગી કરવામાં આવશે, જે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરી શકે.
ICCમાં 16 સભ્યો
તમને જણાવી દઈએ કે નૂયીના પદ છોડ્યા બાદ હવે ICCમાં 16 સભ્યો બાકી છે. તેમાં 12 પૂર્ણ સભ્યો, ત્રણ સહયોગી રાષ્ટ્ર નિર્દેશકો અને એક પ્રમુખનો સમાવેશ થાય છે. જોકે ICC બોર્ડમાં ડિરેક્ટર સહિત 17 સભ્યો છે. નવા પ્રમુખ માટે ચૂંટણી જીતવા માટે કોઈપણ ઉમેદવારને 9 મતોની જરૂર પડશે.