NATIONAL

Tirupati Laddu Case: YSRCP ચીફ જગન મોહને PM મોદીને લખી ચિઠ્ઠી

તિરુપતિ લાડુ વિવાદને લઇને બરાબરનો માહોલ ગરમાયો છે. આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમમાં પશુની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઇને સીએમ નાયડુ આમને સામને આવી ગયા છે. ત્યારે આ મામલે YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં જગને પીએમને નાયડુને ઠપકો આપવા અને સત્ય જાહેર કરવાની અપીલ કરી છે.

આ જુઠ્ઠાણુ મોટુ નુકસાન કરી શકે છે- જગન મોહન

પીએમ મોદીને લખેલા પત્રમાં જગન મોહને જણાવ્યું હતું કે હું આ પત્ર આંધ્રપ્રદેશ રાજ્યમાં બની રહેલી દુ:ખદ ઘટનાઓ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભગવાન વેંકટેશ્વરના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો હિંદુ ભક્તો છે અને જો આ નાજુક પરિસ્થિતિને ધ્યાનથી ન સંભાળવામાં આવે તો આ જૂઠાણું મોટું નુકસાન કરી શકે છે.

હિંદુ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી- જગન મોહન

તેમણે આગળ લખ્યું કે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ટીટીડીની કામગીરી સામે ઘોર જુઠ્ઠાણા ફેલાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તિરુમાલા મંદિરમાં પ્રસાદ બનાવવામાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે ભેળસેળયુક્ત છે અને તે ઘીમાં પ્રાણીઓની ચરબી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં ઘીની જગ્યાએ પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘીનો આ પ્રસાદ કરોડો હિંદુ ભક્તોના હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જો કે આ રાજનીતિક ઉદ્દેશ્યથી ફેલાવેલુ જુઠ્ઠાણુ છે. જેનાથી દુનિયાભરના હિંદુ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે.

ખૂબ જ ચિંતાનો વિષય- પ્રહલાદ જોશી

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના આરોપોની વિગતવાર તપાસ કરવાની માગણી કરી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે આંધ્રના મુખ્યમંત્રી નાયડુએ જે પણ કહ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ મામલાની ઝીણવટભરી તપાસની જરૂર છે અને ગુનેગારને સજા મળવી જોઈએ.

તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે જવાબ આપવો પડશે- પવન કલ્યાણ

આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ ઘટનાના આરોપીઓને છોડવામાં આવશે નહીં. ત્યાર બાદ હવે આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માંગ કરી છે. આ મામલે વધુમાં જણાવ્યું કે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને બીફ ફેટ) ભેળવવામાં આવતી હોવાના મુદ્દો ગંભીર છે. આનાથી આપણે બધા પરેશાન છીએ. પવન કલ્યાણે કહ્યું કે તત્કાલીન સરકાર દ્વારા રચવામાં આવેલ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે.

 બુધવારે કોર્ટમાં થશે સુનાવણી

મહત્વનું છે કે બુધવારે એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. આ આરોપોને YSRCP નેતાઓએ નકારી કાઢ્યા હતા. ત્યારે હવે પાર્ટી પોતાના પર લાગેલા આરોપો મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે તે આ કેસની આગામી બુધવારે સુનાવણી કરશે. સીએમ ચંદ્રબાબુ વતી વકીલે પ્રસાદમમાં પ્રાણીઓની ચરબી ભેળવવાના દાવા અંગે સીટીંગ જજ અથવા હાઈકોર્ટની કમિટી દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.

“પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ”

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો હતો.. તેમણે બુધવારે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થયા કે જગન પ્રશાસને તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. તેમને શરમ આવવી જોઈએ જેઓ કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીનું સન્માન નથી કરી શક્યા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button