GUJARAT

Ahmedabad: ફટાકડાના સ્ટોલ માટે વેપારીઓ બલ્બ જેવી લાઇટનો ઉપયોગ નહીં કરી શકે

દિવાળીના તહેવારને લઇને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ, ફાયર વિભાગે ફટાકડાના સ્ટોલ અને ગોડાઉન બાબતે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બલ્બ અને અન્ય લાઇટો જે જલ્દીથી ગરમ થતી હોય તેના કારણે ફટાકડામાં આગ લાગવાની સંભાવના વધારે હોવાથી આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ફટાકડાના સ્ટોલ પર રાખી શકાશે નહીં.

જો કોઇ રાખશે તો ફાયર વિભાગે તાત્કાલિક લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરશે અને પોલીસ વેપારી સામે ફોજદારી ગુનો નોંધશે. બીજી તરફ, ફાયરના અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યુ કે, ફટાકડાના સ્ટોલ માટે અમદાવાદ ફાયર વિભાગને અત્યાર સુધીમાં કુલ 48 અરજીઓ મળી છે. જેમાં ફાયરે ચેકિંગ કરીને 11 જેટલા વેપારીઓને ફટાકડાના સ્ટોલ માટે મંજૂરી આપી છે.

રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાના કારણે નિર્દોષ વ્યકિતઓના મોત નિપજ્યા બાદ કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહીઓ થઇ હતી. જેના કારણે આ વખતે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દિવાળીના સમયે ફટાકડાના સ્ટોલ, ગોડાઉન કે કારખાનામાં આગની કોઇ ઘટના બને નહીં તે માટે ખાસ એક્શન પ્લાન ઘડયો છે. ફાયર વિભાગ ફટાકડાના સ્ટોલની પરમિશન આપતા પહેલા સ્થળ પર વિઝિટ કરશે. ફટાકડાના સ્ટોલ માટે યોગ્ય બાંધકામ હોવુ જોઇએ અને બલ્બ સહિત જલ્દી ગરમ થતાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ ન કરવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ફટાકડાના સ્ટોલ કે ગોડાઉનમાં અંદર ગ્રાઉન્ડ વાયરીંગ હોવુ જોઇએ અને વાયરમાં સાંધાવાળા ન હોવા જોઇએ. ફાયર એક્સ્ટીંગ્યુશર, રેતી, પાણી ભરેલ ડ્રમ ફટાકડાના વેપારીઓએ ફરજીયાત રાખવા પડશે. આ તમામ નિયમોનું જે વેપારીઓ પાલન નહીં કરે તેના વિરૂદ્ધમાં પોલીસ કોઇના જીવ જોખમમાં મૂકવા બદલનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button