સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા વિવિધ ગુનાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે અને મોબાઈલ ચોરીઓના ગુન્હાનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામા આવે છે. ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જે મોબાઈલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. આ બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઇપણ જુના કે નવા મોબાઈલ વપરાશકારકે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલ છે? તે જાણવું જરૂરી છે. આથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ જૂનાં કે નવા મોબાઈલ લે-વેચ કરતા દુકાન ધારકો માટે ગ્રાહકોની જરૂરી વિગતો સાથેનું રજીસ્ટર ફરજીયાત નિભાવવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
રજીસ્ટર નિભાવવું પડશે
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, કોઇપણ જુના કે નવા મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઈલ ખરીદતી વખતે મોબાઈલ ફોનની વિગત/કંપની/મોડલ નંબર, IMEI નંબર, મોબાઈલ કોની પાસેથી ખરીદ કરેલ છે તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર સહીતની જરૂરી વિગતો તેમજ આઈડી પ્રૂફની વિગતો સાથેનું નિયત નમૂનાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
પોલીસ કેસ પણ નોંધાઈ શકે છે
તદુપરાંત જૂનાં કે નવા મોબાઈલ વેચતી વખતે પણ મોબાઈલ ફોનની વિગત/કંપની/મોડલ નંબર, IMEI નંબર, મોબાઈલ કોને વેચેલ છે તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર સહીતની જરૂરી વિગતો તેમજ આઈડી પ્રૂફની વિગતો સાથેનું નિયત નમૂનાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
Source link