એસીબીએ ડીકોય ગોઠવી વાહનચાલકો પાસેથી દંડનો મેમો ન આપવાના બદલામાં લાંચની માંગણી કરતા ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનનો શનિવારે ભાંડો ફોડયો હતો. લાંચ લેતા ટીઆરબી જવાન ઝડપાયો પણ એસીબી હોવાની શંકા જતા કોન્સ્ટેબલ ભાગી ગયો હતો. એસીબીને વાહન ચાલકો પાસેથી આરોપીઓ 100 થી બે હજારની રકમ લાંચ પેટે લેતા હોવાની ફરિયાદ મળતા કાર્યવાહી થઈ હતી.
એસીબીએ શાસ્ત્રીબ્રીજના છેડે નારોલ-સરખેજ રોડ પર ડીકોયર ગોઠવીને એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન અશોકકુમાર ચતુરભાઈ પગીને રૂ.200ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. જો કે, સ્થળ પર એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દશરથ રામલાલ પટણી એસીબી હોવાની શંકા જતા ફરાર થઈ ગયો હતો. એસીબીને આરોપીઓ વાહન ચાલકો પાસેથી દંડનો મેમો ના આપવાના બદલામાં સો થી બે હજારની રકમની લાંચ લેતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે એસીબીની ટીમે ડિકોય ગોઠવીને આયશર ગાડીના ચાલકને ડીકોયર તરીકે જોડે રાખ્યો હતા. દરમિયાન શાસ્ત્રીબ્રીજના છેડે આવતા ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ પગી અને ટીઆરબી જવાન અશોકકુમારે આયશર ગાડી ઉભી રખાવી હતી. સીટબેલ્ટનો મેમો ના ફાડવા માટે હેડ કોન્સ્ટેબલ દશરથભાઈએ લાંચની માંગણી કરી હતી. જે પેટે રૂ.200 નક્કી થતા હેડ કોન્સ્ટેબલ વતી લાંચની રકમ ટીઆરબી જવાને સ્વીકારી હતી. જો કે, આ ગાળામાં હેડ કોન્સ્ટેબલ દશરથભાઈને એસીબી હોવાની શંકા જતા ભાગી ગયો હતો.
Source link