- ટ્રાફિક જામની સમસ્યા વકરી, પિક અવર્સમાં તો વાહનચાલકોની હાલત ખરાબ થઈ જાય છે
- આડેધડ પાર્કિંગ, રિક્ષાઓનો અડિંગો અને ગેરકાયદેસર દબાણો ટ્રાફ્કિ થવાના મુખ્ય કારણો હોવાની લોકોની ફરિયાદો
- તેમ છતા 10થી વધુ જંકશનો પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ રહે છે
શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ટ્રાફિક જામ પાછળનામુખ્ય કારણો આડેધડ પાર્કિંગ, રિક્ષાઓનો અડિંગો અને ગેરકાયદેસર દબાણો હોવાનું લોકોનું કહેવું છે.
મોટાભાગે પૂર્વમાં નારોલથી લઇને નરોડા સુધીના રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત રિંગ રોડ પર પણ ટ્રાફિક જામ થાય છે. જોકે, ટ્રાફિક પોલીસે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે એક વર્ષ અગાઉ પૂર્વ વિસ્તારના 9 જંકશનો પર પીક અવર્સમાં દરમિયાન સર્વિસ રોડ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઘટી હતી. તેમ છતા 10થી વધુ જંકશનો પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ રહે છે. કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર સર્કલ, સારંગપુર, પાનકોરનાકા તથા જમાલપુર વિસ્તારમાં રિક્ષાચાલકોને કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે. જે મામલે પોલીસે રિક્ષાચાલકો સામે હવે લાલ આંખ કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ, જશોદાનગર, મણિનગર ક્રોસિંગ, કાલુપુર, જમાલપુર, હાટકેશ્વર સર્કલ, નરોડા પાટિયા, એસપી રિંગ રોડ પર નિકોલથી વસ્ત્રાલ વચ્ચે, લાલદરવાજા સહિત 10થી વધુ જંકશનો પર હાલમાં પણ ભારે ટ્રાફ્કિ થાય છે. જેમાં સર્વિસ રોડ પર પણ ગેરકાયદેસર લારી ગલ્લા અને પાથરણાવાળા પથારો પાથરીને બેસતા હોવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આટલું જ નહીં, કેટલાક સિગ્નલો બંધ હોવાથી અને ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ ન હોવાથી વાહનચાલકો આડેધડ વાહન હંકારતા પણ નજરે પડે છે. જોકે, ટ્રાફિક પોલીસ પણ થોડા દિવસો ડ્રાઇવ યોજીને સંતોષ માની લે છે. મહત્વનું છે કે વધતી જતી વાહનોની સંખ્યા અને સાંકડા રસ્તા પણ ટ્રાફિક જામની સમસ્યા પાછળનું પરિબળ છે. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કાલુપુર રેલવે સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાંથી 66 રિક્ષા ડિટેઈન કરાઈ
કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર સર્કલ, સારંગપુર, પાનકોરનાકા તથા જમાલપુર વિસ્તારમાં રિક્ષા ચાલકોના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં રિક્ષા ચાલકો પેસેન્જરો ભરવા માટે રસ્તા પર જ રિક્ષા ઉભી કરી દેતા હતા, રસ્તા પર રિક્ષા પાર્ક કરી દેવી તથા કેપિસિટી કરતા વધુ પેસેન્જરોને બેસાડવામાં આવતું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના પગલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા એક દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ડ્રાઈવમાં પોલીસે માત્ર 8 જ કલાકની અંદર 66 રિક્ષાઓ ડિટેઈન કરી હતી. આ અંગે ઈ ડિવિઝન પીઆઈ વી.કે.દેસાઈએ જણાવ્યું હતું કે, આ ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષાઓ, પેસેન્જરો ભરવા માટે રિક્ષા રસ્તા પર ઉભી કરી દેવી તથા વધુ પેસેન્જરો બેસાડેલા હોય તેવી રિક્ષાને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી હતી.
Source link