GUJARAT
Ahmedabad: ખોખરામાં લક્ષ્મીનારાયણ પાર્ક નજીક AMC ગાર્ડનમાં 6 મહિનાથી વૃક્ષો મૃતપ્રાય સ્થિતિમાં
શહેરમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, જેના સાથે જ લોકો સ્વસ્થ રહેવા માટે બાગ બગીચામાં શુદ્ધ હવા લેવા જતા હોય છે. પરંતુ પૂર્વમાં આવેલા બાગની દયનિય સ્થિતિના કારણે લોકોને બાગની અંદર પણ સુકાયેલા મૃત હાલતમાં વૃક્ષો જોવા મળે છે. એટલું જ નહીં લાંબા સમયથી મુકેલા રોપા પણ રોપાયા વગર કરમાઈને સુકાઈ ગયા પણ તેની સાર સંભાળ લેવામાં આવી નથી. આ કારણે લાખો રૂપિયાના છોડ બેકાર થઈને પડયા છે.
તેમજ બાગની અંદર વોશરૂમ કે અન્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે અધિકારીએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરી નથી જેના પર કાર્યવાહી કરાશે.છેલ્લા ઘણાં સમયથી ખોખરામાં લક્ષ્મી નારાયણ પાર્ક પાસે AMC દ્વારા નવો ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. જેના વિકાસ માટે લાખાનો ખર્ચે નવા છોડવા મંગાવવામાં આવ્યા છે. જેને રોપવા ના બદલે જેમના તેમ પડી રહ્યા છે અને તેના કારણે સુકાયેલા મૃત હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં બાગની અંદર પણ કેટલાંક વૃક્ષો પણ પાણી ન મળવાના કારણે સુકાયેલા છે અને તેની કાળજી લેવામાં આવી નથી. તેમજ બાગની અંદર ગંદકીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત બગીચામાં શૌચાલય કે પાણીના માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે લોકોને અંદર ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં AMC દ્વારા માંડ હજી તો એક ગાર્ડનની સુવિધા આપવામાં આવી છે. જેની પણ યોગ્ય રીત સંભાળ રાખવામાં આવી નથી. જેના કારણે લોકોને જોઇએ તેવી સુવિધા મળી રહી નથી. આ ઉપરાંત બાગની અંદર પુષ્કળ પ્રમાણમાં શ્વાન પર પ્રવેશ કરી રહ્યા છે જેથી નાના બાળકોને પણ એકલા અંદર મુકવામાં બીક લાગતી હોય છે.બાગ બગીચા વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ અંગેની ફરિયાદ ધ્યાન પર આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાઈ નથી જેના માટે તપાસ કરવામાં આવી રહી છે.
Source link