GUJARAT

Banaskantha જિલ્લાના ટ્રેકિંગ સ્થળોએ NCC ગર્લ્સ કેડેટ માટે ટ્રેકિંગ કેમ્પ-૩નું કરાયું આયોજન

૩૫ ગુજરાત બટાલિયન, પાલનપુર દ્વારા એન.સી.સી ગર્લ્સ કેડેટ માટે વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૫૧૦ એન.સી.સી ગર્લ્સ કેડેટએ ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો. આ ૫૧૦ કેડેટએ જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું જેમાં જેસોર હીલ, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે બાલારામ પેલેસ, ઉજાણી નેચરલ પાર્ક, દાંતીવાડા ડેમની પણ મુલાકાત લીધી હતી.

અલગ-અલગ જિલ્લાઓમાંથી આવી છોકરીઓ

૩૫ ગુજરાત બટાલિયનના સ્ટાફ દ્વારા કેડેટોને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. ટ્રેકિંગ દરમિયાન કેડેટોને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને વિવિધ વૃક્ષો વિશે પણ સમજણ અપાઈ હતી.આ ટ્રેકના દરેક દિવસો ગુજરાતની કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક તત્વની આબેહુબ તસવીરો તમામ સહભાગીઓના હૃદયમાં કોતરતો એક આરોગ્યપ્રદ અને યાદગાર અનુભવ સાબિત થયો હતો.

કમાન્ડન્ટ રહ્યાં હાજર

આ શિબિરનું સમાપન વાઈબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું. જેમાં ભારતના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રદેશોના કેડેટ્સે પરંપરાગત નૃત્યો, ગીતો અને પોતાની સ્કીલ રજૂ કરી હતી જે રાષ્ટ્રની વિવિધતામાં એકતા દર્શાવે છે. કાર્યક્રમના અંતે કેડેટસને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ અને વહીવટી તંત્ર દ્વારા કેડેટસ માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ હતી.આ કેમ્પમાં કમાન્ડટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડટ લેફ્ટેનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ.સુધિશ કુમાર, એસ.ઓ અરવિંદભાઈ ચૌધરી તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવિણભાઈ જોષી હાજર રહ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button