મુંબઈ અને અમદાવાદ વચ્ચે હવે ટુંક જ સમયમાં બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. સુરત અને બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રાયલ રન કરવામાં આવશે. વર્ષ 2026માં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે. આ પ્રોજેક્ટ માટે સરકાર 1 લાખ 8 હજાર કરોડનો ખર્ચ કરી રહી છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટ 508 કિલોમીટરમાં પથરાયેલો
ત્યારે આ અંગે વિગતવાર માહિતી આપતા હાઈ સ્પીડ રેલવે પ્રોજેકટના ડાયરેકટર પ્રમોદ શર્માએ કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેકટ મુંબઈથી અમદાવાદ સુધી 508 કિલોમીટર સુધી પથરાયેલો છે. જેમાં 156 કિલોમીટર સુધી મહારાષ્ટ્ર અને 352 કિલોમીટર ગુજરાત, દિવ અને દમણમાં છે. આ પ્રોજેક્ટ માટે સૌપ્રથમ ગુજરાત અને દિવ દમણમાં જમીન મળી હતી અને જ્યારે 2023માં મહારાષ્ટ્રમાં જમીન મળી.
ત્યારબાદ સિવિલનું કામ 4 વર્ષ સુધી ચાલ્યુ અને ત્યારબાદ ઈલેક્ટ્રિકનું કામ શરૂ કરવામાં આવ્યું. વધુમાં ડાયરેક્ટરે કહ્યું કે બુલેટ ટ્રેનમાં કુલ 12 સ્ટેશનો પડશે, જે પૈકી 8 સ્ટેશન ગુજરાતમાં છે, જેમાં કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. બુલેટ ટ્રેનની ઝડપ વધુ હોવાથી સીધા ટ્રેકની જરૂર હતી અને હાઈ સ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની સૌથી મોટી જિયોટેક્નિકલ લેબ સુરતમાં બનાવવામાં આવી છે.
2026માં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે
સુરત અને બીલીમોરામાં એડવાન્સ સ્ટેશન બનશે, જ્યાં 2026માં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે. બધી હેવી મશીનરી અને સામાન હવે દેશમાં જ બને છે. મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી દરેક મશીન બનતા ઝડપી કામ શરૂ થયું છે. 1 મહિનામાં 40 ગડર લોન્ચ કરવામાં આવી રહી છે. નોઈઝ પોલ્યુશન અટકાવવા નોઈઝ બેરીયર પણ લગાવવામાં આવ્યા છે. ટેકનોલોજી શ્રમિકોને શીખવાડવા જાપાનીઝ સહાયકોની મદદ લેવામાં આવી. સિવિલ અને ઈલેક્ટ્રિક કાર્ય નિર્ધારિત સમય મુજબ ચાલી રહ્યું છે.
બુલેટ ટ્રેનનું દરેક સ્ટેશન તેના કલ્ચરને રજૂ કરશે
વડોદરામાં 8 કિલોમીટરનો ટ્રેક રહેશે. વિશ્વામિત્રી નદીમાં 40 મીટરના બે એક્સપાન્સન લાગશે. જોકે આ 80 મીટરના એક્સપાન્સનથી નદીમાં અવરોધ ઉભો થતો નથી. 352 કિલોમીટરમાંથી 345 કિલોમીટરનું કામ પૂર્ણ હાલતમાં છે. કુલ પ્રોજેકટનો ખર્ચ 1 લાખ 8 હજાર કરોડ છે. દરેક સ્ટેશન તેના કલ્ચરને રજૂ કરશે, જેમ કે આણંદ દૂધ માટે, વડોદરા વડના ઝાડ માટે, અમદાવાદ પતંગ માટે, સુરત ડાયમંડ માટે એ રીતે ત્યાંના સ્ટેશન બનાવ્યા છે.
Source link