લીંબડી પોલીસની ટીમને લીંબડીના ગુજકોમાસોલના ગોડાઉનમાં ખાતરનો કાળો કારોબાર થતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં બે શખ્સો બોટાદથી આઈશરમાં લાવેલા સબસીડી વાળા સરકારી ખાતરને સાદી થેલીમાં ટ્રાન્સફર કરી મોરબી મોકલતા ઝડપાયા હતા. પોલીસે ખાતર, આઈશર, સીલાઈ મશીન, મોબાઈલ સહિત રૂ.15,26 ,537નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના સમયે ખાતર અને બીયારણમાં ડુપ્લીકેશનની ભારે બુમરાણો ઉઠી હતી. ત્યારે લીંબડી પોલીસે ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ લીંબડી પીઆઈ પી.કે.ગોસ્વામી, હર્ષરાજસીંહ ઝાલા, પ્રવીણભાઈ આલ સહિતનાઓને લીંબડીના ગુજકોમાસોલના ગોડાઉનમાં ચોરી કે છળકપટથી લાવેલા ખાતરનો કાળો કારોબાર થતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં ગોડાઉન સંચાલક આશીષ મુકેશભાઈ ગોહીલ અને આઈશર ટ્રકનો ડ્રાઈવર મોહીન મહેબુબભાઈ પરમાર ઝડપાયા હતા. આ શખ્સોની પુછપરછ કરતા તેઓએ જણાવ્યુ કે, મેહુલ લાંબરીયાના કહેવાથી તેઓ સબસીડીવાળુ યુરીયા ખાતર બોટાદથી ભરીને લાવ્યા હતા. અને ગુજકોમાસોલના ગોડાઉનમાં માર્કા વગરની સફેદ થેલીમાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસે યુરીયા ખાતરની 250 થેલી કિંમત રૂ. 5,13 ,037, 300 ખાલી થેલી કિંમત રૂ.1500, સીલાઈ મશીન, આઈશર ટ્રક, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 15,26 ,537નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Source link