સુરેન્દ્રનગર એસઓજી ટીમે સોમવારે બપોરના સમયે થાન ગ્રામ્યમાં પેટ્રોલિંગ હાથ ધરી બે શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધા છે. બન્ને પાસેથી રૂ. 10 હજારની બે બંદુક કબજે કરી ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, રવિરાજભાઈ સહિતનાઓને થાનના ઉંડવી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી. આથી પોલીસે સોમવારે બપોરે 2-30 કલાકે વોચ રાખી હતી. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામનો મનસુખ ઉર્ફે મકો હેમુભાઈ રાઠોડ રૂપિયા 5 હજારની કિંમતની ગેરકાયદેસર હાથ બનાવટની સીંગલ બેરલ મજરલોડ બંદુક સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ બંદુક બે માસ પહેલા થાનના મોરથળાના ડાયા સવશીભાઈ મકવાણા પાસેથી ખરીદ્યુ હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ નોંધી ડાયા મકવાણાને ઝડપી લેવા તપાસ આરંભતા તે મોરથળાની સીમ તરફથી ગામ બાજુ આવતો હોવાની બાતમી મળતા પોલીસે સાંજના 4-30 કલાકે વોચ રાખી હતી. જેમાં ડાયા સવશીભાઈ મકવાણાને પણ રૂ.5 હજારની કિંમતની દેશી મજરલોડ બંદુક સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા ડાયા મકવાણા સામે આર્મ્સ એકટ મુજબ અલગથી ગુનો પણ નોંધાયો છે.
Source link