લખતરમાં રહેતા યુવાનને કુટુંબી સાથે 6 માસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં યુવાન, તેના ભાઈ અને પિતા સામે પોલીસ કેસ થયો હતો. આ કેસની કોર્ટમાં મુદત હોય તા. 7-10ના રોજ હાલ અંજાર રહેતો યુવક લખતર આવ્યો હતો. ત્યારે 2 શખ્સોએ યુવાનનું કારમાં અપહરણ કરી તેના પર ધારીયા વડે હુમલો કર્યો હતો. આ કેસના ફરાર 2 આરોપીઓને લખતર પોલીસે ઝડપી લીધા છે.
લખતરના જુના વણકરવાસમાં રહેતો 20 વર્ષીય અમીત ઉર્ફે ગુગો પ્રવીણભાઈ સોલંકી હાલ અંજારમાં રહે છે. અને અંજારની વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે.તેઓને કુટુંબી નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી સાથે 6 માસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં અમીત, તેના પિતા પ્રવીણભાઈ અને ભાઈ મયુરભાઈ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ અંગેનો કેસ હાલ લખતર કોર્ટમાં ચાલુ છે. જેમાં તા. 7-10ના રોજ કોર્ટની મુદત હોઈ બન્ને ભાઈઓ લખતર આવ્યા હતા. અને બપોરના સમયે અમીતભાઈ બસની રાહ જોઈને લખતર પેટ્રોલપંપ પાસે ઉભા હતા. ત્યારે નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને ચેતન ધનાભાઈ બારોટ આઈ 20 કાર લઈને આવ્યા હતા. અને અમીતને ઢસડીને કારની પાછળની સીટમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. બન્ને શખ્સો કારને નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા અને ત્યાં અમીતને ઉતારી ધારીયાના ઘા કર્યા હતા. અને બાદમાં બન્ને ફરાર થઈ ગયા હતા. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમીયાન આ કેસના બન્ને આરોપીઓ પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. ત્યારે લખતર પોલીસ ફરાર નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને ચેતન ધનાભાઈ બારોટને ઝડપી લીધા હતા. અને બન્નેને કોર્ટ સમક્ષ રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.
Source link