Udaipur: વિદ્યાર્થી દેવરાજનું મૃત્યુ થયું,હોસ્પિટલ બહાર વિરોધ શરૂ થતાં ભારે-તણાવથી સ્થિતિ તંગ
- સ્થાનિક લોકોએ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી કરી
- દેવરાજનું મૃત્યુ થતાં હોસ્પિટલની બહાર સ્થિતિને નિયંત્રણમાં રાખવા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા
- તણાવની સ્થિતિ ઊભી થતાં ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી
16મી ઓગસ્ટે ઉદયપુરમાં થયેલી છૂરાબાજીની ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થી દેવરાજનું સોમવારે મૃત્યુ થયું છે. એમબી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાર્થી તબિયત બપોરે ત્રણ વાગ્યે બગડી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
વિદ્યાર્થી દેવરાજનું મૃત્યુ થતાં હોસ્પિટલની બહાર ભારે પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો હતો અને તેના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. જોકે, દેવરાજના મૃત્યુના સમાચાર વહેતા થતાં હોસ્પિટલની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દેતાં તંગદિલી ફેલાઈ હતી. તણાવની સ્થિતિ ઊભી થતાં ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
હોસ્પિટલની બહાર સૂત્રો પોકારી રહેલા લોકોનું કહેવું હતું કે સારવારના નામે અમને ઉલ્લુ કેમ બનાવતા રહ્યા. લોકોની ભીડ વધતાં તણાવની સ્થિતિને જોતાં કલેક્ટર અરવિંદ પોસવાલ, એસપી યોગેશ ગોયલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. સ્થિતિને નિયંત્રણમાં રાખવા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ દરમિયાન શહેરમાં આગચંપી અને તોડફોડના બનાવો બન્યા હતા.
વિદ્યાર્થી દેવરાજનું મૃત્યુ થતાં શહેરમાં બજારથી લઈને બધા ચાર રસ્તા પર મોટી માત્રામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. અફવાઓથી બચવા માટે શહેરમાં નેટબંધી વધારી દેવાઈ છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે શહેરમાં સોમવારની રાતના 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
બે વિદ્યાર્થી વચ્ચેના ઝઘડાનું કારણ
પોલીસ પૂછપરછમાં અલગ અલગ વાતો જાણવા મળી છે. તેમાં હોમવર્ક માટે નોટ માંગવાની વાત જાણવા મળી છે. આ બાબતે બંને ક્લાસમેટ વચ્ચે ઝઘડો થયો હતો અને ઉગ્ર બોલાચાલીમાં બંને એકબીજાના પિતાના પ્રોફેશન અને ગાળાગાળી સુધી પહોંચી ગયા હતા. આરોપીએ ક્લાસરૂમમાં જ પીડિત પર ખુરશી ફેંકી હતી. એક બીજી વાત એવી પણ જાણવા મળી છે કે આરોપીએ પહેલાં નોટ માગી અને પીડિતે બીજા વિદ્યાર્થીને નોટ આપી દીધી તેથી ઝઘડો થયો હતો.
Source link