ICC latest Test Rankings: ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ સિરાજની ICC રેન્કિંગમાં મોટી છલાંગ, જાણો ક્યા ક્રમે પહોંચ્યો

એક તરફ ભારતીય ટીમે ઓવલ ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડને 6 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે આઈસીસી દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં સિરાજે બોલિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.
674 રેટિંગ પોઈન્ટ સાથે 15મા ક્રમે પહોંચી ગયો
આઈસીસી દ્વારા જાહેર કરાયેલી રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ 12 સ્થાનેથી છલાંગ લગાવી છે. તે 674 રેટિંગ પોઈન્ટ સાથે 15મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા પર 25 સ્થાનની છલાંગ લગાવીને 59મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે જસપ્રીત બુમરાહ હજુ પણ નંબર 1 ટેસ્ટ બોલર છે.
ટેસ્ટ સિરીઝમાં સિરાજે કુલ 23 વિકેટ લીધી હતી
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે 2 વિકેટ લીધી અને બીજી ટેસ્ટમાં 7 વિકેટ લીધી હતી. જ્યારે ત્રીજી ટેસ્ટમાં 4 વિકેટ અને ચોથી ટેસ્ટમાં 1 વિકેટ લીધી તેમજ પાંચમી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. આમ, ટેસ્ટ સિરીઝમાં 23 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ ભારતનો પ્રથમ બોલર બન્યો હતો. પાંચમી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.