
ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ડુડુમા ધોધ પર રીલ શૂટ કરવા ગયેલો એક યુવાન પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો. 22 વર્ષીય સાગર ટુડુ યુટ્યૂબર હતો. તે ગંજમ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી.
સાગર તેના મિત્ર અભિજિત બેહરા સાથે ધોધ પર પહોંચ્યો હતો. તે તેની યુટ્યૂબ ચેનલ માટે પર્યટન સ્થળોના વીડિયો-રીલ શૂટ કરતો હતો. તેણે ધોધનો ફોટો લેવા માટે ડ્રોન ગોઠવ્યું. આ પછી સાગર પાણીમાં ઊતર્યો હતો.
ધોધનો પ્રવાહ વધી ગયો ત્યારે સાગર એક મોટા પથ્થર પર ઊભો હતો. વિસ્તારમાં ભારે વરસાદને કારણે માચકુંડા ડેમ ઓથોરિટીએ અહીં પાણી છોડ્યું હતું. આ માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. પાણીના ભારે વહેણને કારણે સાગર ત્યાં જ ફસાઈ ગયો.
સાગરનો મિત્ર અને કિનારે ઊભેલા અન્ય લોકો તેને બચાવવા માટે દોરડું લઈને પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં સાગર પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ. થોડીક સેકન્ડોમાં જ સાગર પાણીમાં ગુમ થઈ ગયો.