ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. જેમાં 12થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. શુક્રવારે સાંજે મેક્સ લોડર અને રોડવેઝની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ મેક્સમાં લગભગ 30 લોકો હતા અને તે બધા મુકુંદ ખેડાની તેરમી પર્વ મનાવીને ખંડૌલી નજીક સેવાલા ગામ પરત ફરી રહ્યા હતા. આ દુ:ખદ ઘટના આગરા-અલીગઢ બાયપાસ પર મીતાઈ ગામ પાસે બની હતી. મૃતકોમાં પુરૂષો અને મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
અકસ્માતમાં 12 લોકોના મોત
મળતી માહિતી મુજબ, હાથરસ જિલ્લાના હાથરસ આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂસ કા નાગલા બાયપાસ પર મીતાઈ ગામ પાસે આ અકસ્માત થયો હતો. અહીં રોડવેઝની બસ અને મેજિક લોડીંગ વાહન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 16 લોકો ઘાયલ થયા હતા જ્યારે 12થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રી યોગીએ શોક વ્યક્ત કર્યો
ઈજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચારની હાલત વઘુ નાજુક હોવાથી તેમને અલીગઢ રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઈજાગ્રસ્તોને વધુ સારી સારવાર માટે સૂચના આપી હતી.
ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની માહિતી મળતાં જ DM આશિષ કુમાર અને SP નિપુન અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માહિતી મળી રહી છે કે, લોડિંગ વાહનમાં લગભગ 25-30 લોકો બેઠા હતા. તમામ લોકો સાસની પોલીસ સ્ટેશન વિસ્તારના મુકુંદ ખેડાથી મિજબાની કરીને પરત ફરી રહ્યા હતા. તમામ ખંડોલીના સાયમલા ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.
4 લોકોની હાલત ગંભીર
પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાસનીથી ખંડૌલી જઈ રહ્યા હતા. ચાલકને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી 4ની હાલત ખુબ જ ગંભીર છે અને તેમને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.