ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની જેમ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હિમાચલ સરકારે આજે બુધવારે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરી છે. નવી નીતિ હેઠળ હવે હિમાચલ પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડર, વેન્ડર્સ અને હોટેલીયર્સે તેમનું આઈડી બતાવવું પડશે.
સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી દ્વારા આઈડી કાર્ડ જારી કરાશે
રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકારે ઘણી ફરિયાદો મળ્યા બાદ આઈડી કાર્ડ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. નવી નીતિ હેઠળ ખાદ્યપદાર્થો વેચનારાઓએ હવે તેમની નેમ પ્લેટ લગાવવી પડશે. આઈડી કાર્ડ પણ બતાવવાનું રહેશે. તમામ પ્રકારના વિક્રેતાઓએ તેમનું નામ અને ફોટો ઓળખ દર્શાવવાની રહેશે. આ તમામનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી દ્વારા આઈડી કાર્ડ જારી કરવામાં આવશે.
ચિંતા અને શંકાને કારણે નિર્ણય લેવામાં આવ્યો
હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજ્યમાં નવી નીતિ બનાવવા પર કહ્યું કે, અમે શહેરી વિકાસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તમામ સ્ટ્રીટ વેન્ડર્સ માટે હાઈજેનિક ફૂડનું વેચાણ થાય તે સુનિશ્ચિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ખાદ્ય પ્રદાર્થ વેચનારાઓ માટે.
દરેક દુકાનદાર અને સ્ટ્રીટ વેન્ડરે ઓળખપત્ર બતાવવાનું રહેશે
શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે, “સામાન્ય લોકોએ આ સંદર્ભમાં તેમની ચિંતા અને આશંકા વ્યક્ત કરી હતી અને આને ધ્યાનમાં રાખીને અમે ઉત્તરપ્રદેશની જેમ સમાન નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વિક્રેતાઓ માટે તેમનું નામ અને આઈડી કાર્ડ બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે દરેક દુકાનદાર અને સ્ટ્રીટ વેન્ડરે પોતાનું ઓળખપત્ર બતાવવાનું રહેશે.
કોંગ્રેસના મંત્રીને યોગી મોડલ પસંદ આવ્યું
આ પહેલા વિક્રમાદિત્ય સિંહે આજે સોશિયલ મીડિયા પર સીએમ યોગીની તસવીરના સમાચાર સાથે એક પોસ્ટ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ફાસ્ટ ફૂડ, સ્ટ્રીટ વેન્ડર્સ અને ઢાબાના માલિકોના આઈડી અને નામ વિશે વાત કરી હતી, જેથી કોઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમણે કહ્યું કે, ગઈકાલે જ શહેરી વિકાસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
યોગી સરકારે શું નિર્ણય લીધો?
એક દિવસ પહેલા મંગળવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં થૂંકવા અને પેશાબ ભેળવવા જેવી ઘટનાઓને ધ્યાનમાં લેતા સૂચનાઓ જારી કરી હતી કે, તમામ ખાદ્ય કેન્દ્રોના સંચાલકો, માલિકો અને સંચાલકોના નામ અને સરનામા ફરજિયાતપણે દર્શાવવું આવશ્યક છે.
ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો
સીએમ યોગીએ એ પણ નિર્દેશ આપ્યો કે, શેફ અને વેઈટરોએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ. એટલું જ નહીં હોટલ અને રેસ્ટોરન્ટમાં CCTV કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવું જોઈએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીએમ યોગીએ કહ્યું કે, ખાદ્ય પદાર્થોમાં માનવ કચરાની હાજરી ખોટી છે. મુખ્યમંત્રીએ ખાદ્ય પ્રદાર્થોમાં માનવ કચરો કે ગંદી વસ્તુઓ સાથે ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.