GUJARAT

Surendranagar: સરકારી યોજનાની કિટ વિતરણમાં ફરી હોબાળો

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય ધરાવતા અરજદારોને યોગ્ય રોજગારી હેતુ કીટ વીતરણ કરવામાં આવે છે. જેમાં પ્લમ્બીંગનું કામ કરતા અને માનવ કલ્યાણ યોજના હેઠળ ફોર્મ ભરનાર લાભાર્થીઓને ગુરૂવારે કીટ આપવા માટે બોલાવાયા હતા. પરંતુ કીટ વિતરણ સમયે અધુરા સામાનની કીટો મળતા લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ એજન્સી દ્વારા કીટના બોકસ વાહનમાં ભરીને લઈ જવાયા હતા.

કેન્દ્ર સરકાર કૌશલ્યવર્ધન પર ભાર મુકી રહી છે. ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં વીવીધ કૌશલ્ય ધરાવતા યુવાનોને ખાસ તાલીમ અપાઈ રહી છે. ત્યારબાદ આ યુવાનો રોજીરોટી રળી શકે તે માટે વીવીધ કીટો આપવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કીટ વીતરણ શરૂઆતથી જ વીવાદોમાં રહ્યુ છે. અગાઉ માનવ ગરીમા યોજના હેઠળ મહિલાઓને બ્યુટી પાર્લરની કીટ, સીવણના સંચા, પાપડ બનાવવાનુ મશીન સહિતની કીટો અપાઈ હતી. તેમાં સમગ્ર જિલ્લાના લાભાર્થીઓને લીંબડી બોલાવાયા હતા. આ ઉપરાંત બ્યુટી પાર્લરની કીટમાં માત્ર ખુરશી અને બ્યુટીપાર્લરમાં જેની જરૂર નથી તેવા ઓવન અપાતા હતા. જેના લીધે રોષ ફેલાયો છે. ત્યારે હવે માનવ કલ્યાણ કીટ વીતરણ વિવાદોમાં આવ્યુ છે. મળતી માહીતી મુજબ સરકાર દ્વારા કીટ વીતરણ માટે એજન્સીને કામ સોંપી દેવાય છે. અને આ એજન્સીઓ પોતાની મનમાની કરતી હોય છે. માનવ કલ્યાણ યોજનાની કીટ વીતરણ માટે પહેલા જિલ્લાના લાભાર્થીઓને રાજકોટના આટકોટ બોલાવાયા હતા. આ અંગે વિરોધ થતા સુરેન્દ્રનગર શહેરના બહુચર હોટલ રોડ પર આવેલ એનજીઓમાં લાભાર્થીઓને ફોન કરીને ગુરૂવારે સવારે બોલાવાયા હતા. જેમાં કીટ લેવા પહોંચેલા 100થી વધુ લાભાર્થીઓને કીટના બોકસ ખુલેલા અને કીટનો સામાન અડધો જ મળતા રોષ ફેલાયો હતો. બનાવની જાણ થતા સામાજીક કાર્યકર કમલેશભાઈ કોટેચા, કોઠારીયાના સરપંચ પ્રવીણભાઈ સહિતનાઓ દોડી ગયા હતા. અને હોબાળો થતા એજન્સીવાળા કીટના બોકસ વાહનમાં ભરીને ચાલતા થઈ ગયા હતા. અને હવે બાદમાં લાભાર્થીઓને બોલાવશુ તેમ એજન્સીના માણસોએ જણાવ્યુ હતુ. સમગ્ર બનાવથી સરકારી યોજનાના લાભાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

અગાઉ માનવ ગરિમા યોજનામાં પણ આવો હોબાળો થયો હતો

એકાદ માસ અગાઉ માનવ ગરીમા યોજના હેઠળ સમગ્ર જિલ્લાના લાભાર્થીઓને કીટ લેવા લીંબડી લાંબા કરાયા હતા. ત્યારબાદ હોબાળો થતા દરેક તાલુકા મથકે કીટ વીતરણ કરાયુ હતુ. પરંતુ તે સમયે બ્યુટીપાર્લરની કીટ વિતરણમાં પણ અમુક આઈટમ ઓછી હોવાની રાવ ઉઠી હતી.

ઘટનાસ્થળે પોલીસ પહોંચ્યા બાદ મામલો થાળે પડયો

બનાવની જાણ થતા સુરેન્દ્રનગર શહેર એ ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કીટમાં સામાન ઓછો હોવા બાબતે એજન્સીના માણસને પુછતા તેણે ઉપરથી આવી જ કીટ હોવાનું રટણ રટયુ હતુ. આથી પોલીસે સંપુર્ણ કીટ આવે પછી કીટ વિતરણ કરજો તેમ કહેતા અંતે મામલો થાળે પડયો હતો.

જોરાવરનગરમાં કિટ વિતરણમાં પૂરી આઈટમ હતી

ગુરૂવારે માનવ કલ્યાણ યોજના હેઠળ કીટ લેવા આવનાર લાભાર્થીએ જણાવ્યુ કે, હજુ ગઈકાલે જ જોરાવરનગર રામજી મંદીર પાસે કીટ વીતરણ કરાયુ હતુ. જેમાં પેક કરેલ બોકસ બધાને આપવામાં આવ્યા હતા. જે લાભાર્થીએ ખોલતા તેમાં પુરી આઈટમો હતો. ત્યારે ગુરૂવારે અપાયેલ બોકસ ખુલ્લા હતા અને તેમાંથી અમુક સાધનો ઓછા થઈ ગયા હતા.

કિટના બોકસ ખૂલેલા હતા, અમુક સામાન ગાયબ કરી દેવાયાની આશંકા

કોઠારિયા ગામના લાભાર્થી જયદીપભાઈ ચૌહાણે જણાવ્યુ કે, સામાન્ય રીતે માનવ કલ્યાણ યોજના હેઠળ અપાતી કીટનું બોકસ પેક હોય છે. લાભાર્થી જ તેને ઓપન કરે છે. ત્યારે ગુરૂવારે અપાયેલ કીટના બોકસ ખુલ્લા હતા. અને તેમાં અમુક જ સામાન હતો. આંટા પાડવાના મશીન જેવો મોંઘો સમાન તેમાં હતો નહીં. આથી અમુક સામાન ગાયબ કરી દેવાયાની અમોને આશંકા છે.

લો..બોલો..સરકારી વિભાગે એજન્સીને ખો આપી દીધી

કીટ વિતરણ સમયે થયેલા હોબાળા બાદ સરકારી સુત્રોને આ અંગે પુછતા તેઓએ જણાવ્યુ કે, સરકાર દ્વારા કીટ વીતરણ માટે એજન્સી નક્કી કરવામાં આવતી હોય છે. જેમાં અમારા દ્વારા લાભાર્થીઓના નામ, સરનામાવાળી યાદી એજન્સીને આપી દેવાતી હોય છે. ત્યારબાદ એજન્સીઓ પોતાની રીતે કીટ વીતરણ કરતી હોય છે. તેમાં સરકારી કચેરીનો કોઈ રોલ હોતો નથી. તેમ છતાં આવી કોઈ ફરિયાદ હશે તો સરકારનું ધ્યાન દોરીશુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button