- ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારી, ઈન્ચાર્જ CFO કરે છે શું ?
- મુખ્યમંત્રીને ધારાસભ્યોની રજૂઆત, બોટ માગતા રહ્યાં ન મળી, ફોન પણ રિસીવ ન કર્યા
- વડોદરાના નાગરિકોને પુરમાં ઉપયોગમાં ન લાગેલી બોટ દરજીપુરામાં ધૂળ ખાય છે.
લાખો રૂપિયાનો ખર્ચ કરીને મ્યુનિ. કોર્પોરેશને મળેલી 20 સ્પીડ બોટ દરજીપુરા ફાયર સ્ટેશન ખાતે ધૂળ ખાતી પડી રહી હતી. પરંતુ એક પણ સ્પીડ બોટને રેસ્ક્યુમાં ઉપયોગમાં લેવાઈ ન હતી.
આખરે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ એ.સી. ઓફિસમાં બેઠાં બેઠાં કરે છે શું ? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો તપાસ કરાવીશુ તેવી મૌખિક હૈયાધારણ આપી હતી. આ સાથે ધારાસભ્ય યોગેશ પટેલે પણ પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્વ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી કે, બોટ તો ના આપી પણ અમારા ફોન પણ રિસીવ કર્યા ન હતા. પાર્થનો ફોન બંધ આવતો હતો, અથવા બીજા કોઈ રિસીવ કરતાં હતા. આ વાત સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલે પણ સહમતી બતાવી ફરિયાદ કરી હતી.
દરજીપુરા ઈ.આર.સી. ફાયર સ્ટેશન ખાતે થોડાક વર્ષો પહેલા 20 જેટલી સ્પીડ બોટ ખરીદવામાં આવી હતી. વર્ષ 2015-16ના મેન્યૂફેક્ચરીંગ સાથેની આ બોટ હજૂ પણ ત્યાં ધૂળ ખાતી પડી રહી છે, તેમ છતાં પણ ફાયર બ્રિગેડના તંત્ર દ્વારા તેની કોઈ મરામત કે સાચવણી કરાઈ ન હતી. જેથી આટલા વર્ષોથી તે સ્પીડ બોટ શોભાના ગાઠિયા જેવી પડી રહેતાં લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાની અનુભૂતિ થવા લાગી છે.
શહેરમાં જ્યારે પૂર આવ્યુ ત્યારે ધારાસભ્ય મનિષાબેન વકીલ અને ચૈતન્ય દેસાઈ બધા જ બોટ માગતા રહ્યાં હતાં, પરંતુ તેમને માંડ માંડ એક બોટ મળી હતી, પરંતુ બીજી બોટ ફાળવાઈ ન હતી. જેના કારણે રેસ્ક્યુની કામગીરીમાં ઘણી તકલીફો પડી હતી, તેમ છતાં દરજીપુરા ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે રહેલી એક પણ સ્પીડ બોટનો રેસ્ક્યુની કામગીરી માટે ઉપયોગ કરાયો ન હતો. પોતાને ચીફ ફાયર ઓફિસર સમજતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને આ વિશે પૂછતા તેણે તો રીતસરના હાથ ખંખેરી નાંખી બાબતની વિગતો ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પર ઢોળી હતી. જ્યારે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર હસમુખ પ્રજાપતિ પૂરની પરિસ્થિતિમાં સરકારી કાગળોનો રીપોર્ટ બનાવવામાં આખો દિવસ કાઢી નાખતા હોવાથી તેમનો સંપર્ક સાંધવા છતાં વાત થઈ શકી ન હતી. એકંદરે આ ઘૂળ ખાતી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી સ્પીડ બોટ વિશે તપાસ કરી જવાબદારો સામે કડક પગલા ભરવા જોઈએ. મંત્રી હર્ષ સંઘવીને આ વિશે પ્રશ્ન પૂછાતા તેમણે હું તપાસ કરાવીશ તેમ કહ્યું હતુ.
ACB થી બચવા મુખ્ય દરવાજાને ફિંગર પ્રિન્ટવાળું લૉક
ફાયર બ્રિગેડ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. ફાયર NOCનો તો રીતસર ધંધો જ કરી લેવાય છે, ત્યારે ACB હાથે ઝડપાઈ ન જવાય તે માટે ફાયર બ્રિગેડના મુખ્ય દરવાજાને ફિંગર પ્રિન્ટવાળુ લોક લગાવી દેવાયુ છે, તેની એક ચાવી સિક્યુરિટી જવાનને આપી દેવાઈ છે. કોઈ પણ અજાણી વ્યક્તિ આવે તો ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની પરવાનગી વિના એન્ટ્રી અપાતી જ નથી. પાર્થ બાવડાબાજ બોડી ગાર્ડ રાખે છે. જે સતત સાથે જ હોય છે. આખરે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને કોનો ડર ? તે પ્રશ્ન છે.
Source link