વડોદરામાં પૂર સમયે ભાજપવાળા ફરક્યા ન હતાં અને હવે સહાય નહીં મળતા વ્હાલાં દવલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપ સાથે કિશનવાડીમાં ભાજપના ધારાસભ્ય મનિષાબેન વકીલ અને સ્થાનિક કોર્પોરેટર નૈતિક શાહને લોકોએ ઘેરી લઈને હોબાળો મચાવી દીધો હતો અને ઉગ્ર આક્રોશ સાથે રજૂઆતો કરી હતી. તેમજ સહાયનો સર્વે ભાજપના ઈશારે જ ચાલે છે અને ચોક્કસ વિસ્તારોને સહાયથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના ગઢ ગણાતા વડોદરા શહેરમાં ભાજપની એટલી હદે ખરાબ દશા થઈ ગઈ છે કે ચારેબાજુ પાર્ટીની થૂ…થૂ… થવા લાગી છે. ગઈ તા.26મી ઓગસ્ટે પૂર આવ્યુ અને તેના પાણી ચાર-પાંચ દિવસમાં ઓસરી ગયા પછી પણ આજે વડોદરાની જનતામાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આક્રોશનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે.
ગુરૂવારે સવારે 9-30 કલાકે કિશનવાડી હેલ્થ સેન્ટરમાં વોર્ડ નં.5નો સેવા સેતુ કાર્યક્રમ હતો. તે પૂર્ણ થતા જ સ્થાનિકોએ ભાજપના સ્થાનિક કોર્પોરેટર નૈતિક શાહને ઘેરી વળ્યાં હતાં અને પુરના સમયે તમે કેમ આવ્યા ન હતાં ? વિસ્તારમાં ઠેરઠેર ગંદકી છે સફાઈ કેમ કરાવતા નથી ? સહાયની ચૂકવણીમાં વ્હાલાં દવલાંની નીતિ અપનાવાય છે. ભાજપના કાર્યકરો કહે છે ત્યાં જ કલેક્ટર કચેરીની સરવેની ટીમ જાય છે અને તે જ ઘરોમાં સહાય ચૂકવે છે અને ચોક્કસ સોસાયટીઓને બાદ રાખવામાં આવી છે તેવા આક્ષેપ કર્યા હતાં.
લોકોની ઉગ્ર રજૂઆતોને લઈને મનિષા વકિલ ત્યાં દોડી ગયા હતાં તો લોકોએ નૈતિક શાહની સાથે મનિષાબેન વકીલનો પણ ઘેરાવો કર્યો હતો અને રજૂઆતો કરી હતી કે, સોસાયટીમાં ડ્રેનેજની સમસ્યા છે. સોસાયટીના ગ્રાઉન્ડમાં ગંદકી છે તેની સફાઈ કરાતી નથી. તેમજ અમારી અખંડ અનંત સોસાયટીમાં સરવે કરવા માટે હજૂ સુધી ટીમો આવી નથી તેવી રજૂઆતો કરી હતી.
લોકોએ તો એવી પણ રજૂઆત કરી હતી કે, નૈતિક શાહ કોણ છે ? અમે તો તેમને ઓળખતા પણ નથી. તેઓ અત્યાર સુધી અમારા વિસ્તારમાં આવ્યા જ નથી. પુરના પાણી ભરાયા ત્યારે આ કોઈ કોર્પોરેટરોને અમે જોયા નથી.
ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કમલેશભાઈની આક્રોશ સાથેની રજૂઆત સાંભળ્યા પછી મનિષાબેને તેમને ચાલો તમારા ઘરે તેમ કહીને અખંડ આનંદ સોસાયટીમાં ગયા હતાં અને શહેર પ્રાંત બી.કે. સાંબડને બોલાવીને બાકી રહી ગયેલા ઘરોનો સરવે કરવા માટે સૂચના આપી હતી.
સરવે કામગીરીમાં ભાજપની દખલગીરી કેમ ? શું સહાય ભાજપ ચૂકવે છે ?
પુરના પાણી ક્યાં ક્યાં ફરી વળ્યાં ? તે કલેક્ટર કચેરીએ ખબર જ નથી. જેથી ભાજપના ઈશારે સહાયની રકમ વહેંચી રહી છે. ભાજપના કાર્યકર બતાવે ત્યાં જ સરવે થાય છે અને ત્યાં જ સહાયની રકમ ચૂકવાઈ રહી છે. જ્યાં 6-7 ફૂટ સુધી ઘરોમાં પાણી ગયા તેવા વિશ્વામિત્રી કાંઠાના વિસ્તારોમાં તો કલેક્ટર કચેરીની સરવેની ટીમો હજૂ ગઈ જ નથી. ભાજપના ઈશારે સરવે કરીને કલેક્ટર કચેરી કોષ્ટકો ભરીને સરકારમાં પોતાની સારી કામગીરી બતાવવામાં પડયું છે. ત્યારે સરવેની કામગીરીમાં ભાજપની દખલગીરી કેમ ? શું આ સહાય ભાજપ ચૂકવે છે ? તેવો સવાલ લોકોના મુખે ચર્ચાય છે.
એક કોર્પોરેટર કેનેડા ગયા, બીજા પણ આઉટ ઓફ સ્ટેશન અને ત્રીજા દેખાયા નહીં
વોર્ડ નં.5નો સેવા સેતુ કાર્યક્રમ હતો. તે વોર્ડમાં ચારે ચાર ભાજપના કોર્પોરેટર છે, પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં માત્ર ભાજપના કોર્પોરેટર નૈતિક શાહ જ દેખાયા હતાં. બીજા કોઈ કોર્પોરેટર ફરક્યા ન હતાં. આ વિસ્તારના મહિલા કોર્પોરેટર તેજલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી કેનેડા ગયેલા છે . જ્યારે બીજા કોર્પોરેટર ડૉ. હિતેન્દ્ર પટેલ છેલ્લા ચાર- પાંચ દિવસથી આઉટ ઓફ બરોડા છે. જ્યારે અન્ય એક મહિલાકોર્પોરેટર પ્રફૂલ્લાબેન જેઠવા આટઆટલો હોબાળો થયો પરંતુ તેઓ દેખાયા ન હતાં. એક તરફ લોકોને સહાય મળતી નથી. ત્યારે કોર્પોરેટરો નિશ્ચિત થઈને પોતાની મોજમાં છે.
જ્યાં બાકી હતો ત્યાં સરવે કરાવ્યો
કોર્પોરેટરોને લઈને લોકોની નાની મોટી સમસ્યા હતી. તેમના જે પ્રશ્નો હતાં. તેનો તાત્કાલીક ઉકેલ લાવ્યા. જે ઘરોમાં સરવે થયો ન હતો, તે અખંડ આનંદ સોસાયટીમાં પ્રાંત અધિકારીને કહીને તાત્કાલીક સરવે કરાવ્યો.
Source link