વડોદરાના કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વરને જોડતો પાલેજ નારેશ્વર રોડ માત્ર 6 મહિનામાં જ ખખડધજ થતાં રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. 6 મહિના પહેલા અંદાજે 32 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળો 19 કિલોમીટરનો રોડ નવો બનાવવામાં આવ્યો હતો.
રોડ ઉપર 1થી2 ફૂટના કમરતોડ ખાડા સર્જાતા વાહનચાલકો પરેશાન
ત્યારે 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલો રોડ હાલમાં ખખડધજ થઈ ગયો છે અને તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી ગઈ છે. તમને જણાવી દઈએ કે પાલેજથી લઈ મલોદ સુધી રોડ ઉપર 1થી2 ફૂટના કમરતોડ ખાડા સર્જાતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. પહેલા આ રોડ 7 ફૂટનો હતો, જે રોડ ઉપર થઈ નર્મદા કાંઠાની રેતીની ગાડીઓ હજારોની સંખ્યામાં અવરજવર કરતી હતી, જેને લઈ રસ્તો બિસ્માર થતાં સરકાર દ્વારા રેતીના વાહનોને ધ્યાને લઈ મજબૂતી કરણથી 10 મીટર પોહળો રોડ 32 કરોડના ખર્ચે નવો તૈયાર કરવામાં આવ્યો હતો.
ખરેખર મજબૂતી કરણ કોનું થયું?
આ રોડ માત્ર 6 મહિનામાં જ ખખડધજ થઈ જતા રોડની મજબૂતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે કે ખરેખર મજબૂતી કરણ કોનું થયું? રોડનું કે ઈજારદારનું? રોડ ઉપર મસમોટા ખાડારાજને લઈ અવરજવર કરતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, બીજી તરફ રોડ ઉપર ઊંડા ખાડાને લઈ વાહન ક્યાં રહીને ચલાવવુ એ મુંઝવણ રૂપ થઈ રહ્યું છે, તંત્ર દ્વારા રોડ બનાવવાના સમયે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું હોય કે પછી તંત્રની મિલીભગતથી આ રોડનું મજબૂતીકરણ ખાડામાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
નસવાડીમાં વરસાદ બાદ રોડ દયનીય હાલતમાં
બીજી તરફ છોટા ઉદેપુરના નસવાડીમાં વરસાદ બાદ રોડની સ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. સવાડીના બગલીયાથી તાડકાછલાં ડામર રોડ કીચડ રોડ બનતા ગ્રામજનો જાતે શ્રમદાન કરી રોડ રીપેરીંગ કરવા મજબુર બન્યા છે. નસવાડી તાલુકા પંચાયતના બગલીયા બેઠકના સદસ્ય પોતે પણ આ કામગીરી કરવા જોતરાયા છે. પંચાયતના આર એન્ડ બીના ઈજેનરો ધ્યાન આપતાં ના હોવાના કારણે ગ્રામજનો આખરે જાતે કામગીરી કરવા મજબુર બન્યા છે.
Source link