પ્રધાનમંત્રી આવાસ યોજનાની પૂરેપૂરી રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં મળતી હોવા છતાં કેટલાક લે ભાગુ તત્વો દ્વારા રૂપિયા પડાવાય છે. આવાસનો પ્રથમ હપ્તો જલ્દીથી જોઈતો હોય તો ઉપર પૈસા આપવા પડશે તેમ જણાવી આવાસ લાભાર્થીને ફોસલાવી રૂપિયા પડાવવાનું કારસ્તાન તંત્રના કાને પડતા તાલુકા વિકાસ અધિકારીએ આવા ભ્રષ્ટાચાર સામે કમર કસી છે.
આવાસની મંજૂર થયેલી રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં પડતી હોય છે
વર્ષોથી અનેક મુસીબતો વચ્ચે ઘેરાઈને જીવતા ગરીબ પરિવારોની જ્યારે પ્રધાનમંત્રીએ ફિકર કરીને પ્રધાનમંત્રી આવાસની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ડેસર તાલુકાના કેટલાક હોંશિયાર લેભાગુ તત્વો દ્વારા છાપરાઓમાં રહેતા ગરીબો પાસેથી ગમે તે ભોગે રૂપિયા પડાવવાની વાતોએ જોર પકડ્યું છે. આમ તો આવાસની મંજૂર થયેલી રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં પડતી હોય છે, પરંતુ તેમાંથી પણ પૈસા પડાવવાનો માર્ગ કાઢી લૂંટતા હોવાની વાતો તંત્રના કાને પડતા તાલુકા વિકાસ અધિકારી સફાળા જાગી ગામે ગામ ટીમ સાથે ફરીને લાભાર્થીઓને જાગૃત કરી રહ્યા છે, આવા લેભાગુ તત્વો ગમે તે ભોગે પકડાવવા જોઈએ તેવી જાગૃત નાગરીકો માગણી કરી રહ્યા છે.
760 આવાસ મંજૂર કરવામાં આવ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 16 સપ્ટેમ્બરથી ડેસર તાલુકામાં કાચા આવાસ ધરાવતા અને અગાઉ સર્વે થયેલા લાભાર્થીઓને ઘરના ઘરનો લાભ એટલે કે પાકું આવાસ બનાવવા માટે 760 આવાસ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં કુલ રૂપિયા 1 લાખ 20 હજારની સહાય લાભાર્થીના ખાતામાં સીધી ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તામાં રૂપિયા 30,000 ત્યારબાદ પાયા લેવલે રૂપિયા 80,000 અને આવાસ બન્યા બાદ રૂપિયા 10,000ની સહાય લાભાર્થીને સીધા તેના બેંક એકાઉન્ટમાં મળતી હોય છે.
વહેલો હપ્ત જમા કરાવવા લેભાગુ તત્વો પૈસા ઉઘરાવતા હોવાની ચર્ચા
ડેસર તાલુકાના શિહોરા, જુના શિહોરા, પ્રતાપપુરા, હિમંતપુરા, માણેકલા, વરસડા, વાલાવાવ અને ડેસર સહિત ગામોમાં મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. આવાસ યોજનાના લાભ માટે લાભાર્થીને એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો હોતો નથી, આવાસ મંજૂર થયા બાદ 5થી 7 દિવસમાં પ્રથમ હપ્તો લાભાર્થીના બેંક એકાઉન્ટમાં આધાર બેઝ પેમેન્ટથી થતો હોય છે. સમગ્ર પ્રક્રિયા પીએમએવાયની સરકારી વેબસાઈટ પર પારદર્શક હોવા છતાં કેટલાક ગામોમાં લેભાગુ તત્વો દ્વારા વેબસાઈટ પરથી નામ મેળવી લઈને લાભાર્થીનો સંપર્ક કરી તમારો હપ્તો નખાવવા માટે ઉપર પૈસા આપવા પડશે તેમ જણાવીને ફોસલાવી આવાસના લાભાર્થી પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની વાતો તાલુકામાં કેટલાક સમયથી ચર્ચાના એરણે છે.
સરકારી અધિકારીઓ ગામે ગામે યોજનાના લાભ અંગે આપી રહ્યા છે સમજ
દરેક ગામોમાં પણ આવી વાતો વાયુવેગે પ્રસરતા ઉપરોક્ત બાબત ડેસર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તાલુકાના ગામેગામ જઈને લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરી બેઠક યોજી, આવાસ યોજનાના લાભ અંગે વિસ્તૃત સમજણ લાભાર્થીઓને આપી રહ્યા છે. તાલુકામાં આ બાબત મોટાપાયે ચર્ચાનો વિષય બની છે, આવા કેટલાક લેભાગુ તત્વોથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે.
Source link