વડોદરામાં ભાજપના બે ધારાસભ્યો સામ સામે આવી ગયા છે અને ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ સદસ્યતા અભિયાન મુદ્દે એકબીજા પર કટાક્ષ કરવામાં આવ્યા છે.
યોગેશ પટેલે અકોટા બેઠકમાં સભ્યોને લઈ કર્યો હતો કટાક્ષ
ત્યારે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં આ મુદ્દે જવાબ આપતા કહ્યું કે મોટા નેતાએ કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે? ત્યારે તેમને કહ્યું કે એમની વાત સાચી છે, સંશોધનનો વિષય છે તો છે જ. બીજી તરફ કટાક્ષ કરતા કહ્યું કે સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા?
યોગેશ કાકા સસલું અને હું કાચબો સાબિત થયો: ચૈતન્ય દેસાઈ
ત્યારે ચૈતન્ય દેસાઈએ કહ્યું કે યોગેશ કાકાએ કાચબા અને સસલાંની કહેવત સંભળાવી હતી જેને અમે સાચું કરી બતાવ્યું છે. યોગેશ કાકા સસલાં અને હું કાચબો નીકળ્યો છું. વધુ સભ્યો બન્યા એ મારી આવડત છે, અમે સૌથી આગળ જઈશું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં ઘણા વિવાદ અત્યાર સુધી સામે આવ્યા છે.
વડોદરા પાલિકાની સામાન્ય સભામાં પણ હોબાળો
બીજી તરફ ભાજપ શાસિત વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા વોર્ડ નંબર 16માં પીવાના પાણી અને દૂષિત પાણી અંગેની સમસ્યા મુદ્દે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કાઉન્સિલરમાં રોષ જોવા મળ્યો હતો.
પુર પીડિતોને હજુ સુધી કોઈ સહાય મળી નથી
આ સાથે જ વિસ્તારના પુર પીડિતોને હજુ સુધી કોઈ સહાય નહીં મળી હોવાની પણ સભામાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કોર્પોરેટરે કહ્યું કે લોકો સહાયના ફોર્મ કોર્પોરેટરોના ઘરે આપી જાય છે અને આ સભામાં સહાયના ફોર્મ બતાવી ફોર્મ ડેપ્યુટી કમિશનરને પણ આપી દેવામાં આવ્યા હતા તો આ મામલે વહેલામાં વહેલી તકે નાગરિકોને સહાય મળે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે મુદ્દે તંત્ર પાસે કરી માગ કરવામાં આવી રહી છે.
Source link