બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારમાં મોટાભાગે લોકો માં અંબાના દર્શન કરવા અને આર્શીવાદ મેળવવા દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે આવા જ એક શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમની કારમાંથી ચોરી થવાની ઘટના બની છે.
યાત્રિકની ગાડીમાંથી કિંમતી સામાન ચોરી થઈ ગયો
અંબાજી દર્શન કરવા આવેલા યાત્રિકની ગાડીમાંથી સામાન ચોરી થવાની ઘટના સામે આવી છે. યાત્રિકની ગાડીમાંથી કિંમતી સામાન ચોરી થઈ ગયો છે. સુરતથી બે ગાડી લઈને યાત્રિકોનો પરિવાર અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રે અંબાજી પહોંચ્યા હતા અને કુંભારિયા ખાતે ધર્મશાળામાં રૂમ ના મળતા હોલમાં સૂઈ ગયા હતા અને ગાડી રાત્રે પાર્કિગમાં પાર્ક કરી હતી.
ગાડીનો કાચ તૂટેલો જોવા મળ્યો અને સામાન વેર વિખેર હાલતમાં હતો
ગાડીમાં કીમતી સામાન પણ પડેલો હતો અને યાત્રિક સવારે પોતાની ગાડીમાં સામાન લેવા માટે ગયા ત્યારે પોતાની ગાડીનો કાચ તૂટેલા જોવા મળ્યો અને ગાડીની અંદરનો સામાન પણ વેર વિખેર જોવા મળ્યો હતો, જેના કારણે યાત્રિકે પહેલા ધર્મશાળાના મેનેજમેન્ટને જાણ કરી અને ત્યારબાદ તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસે ચોરી કરનારા લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
ત્યારે ચોરીની ઘટના અંગેની જાણકારી મળ્યા બાદ તરત જ પાલનપુર ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદીની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 2 ડોગ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન મોટો સામાન જૈન મંદિરની પાછળ ખુલ્લી જગ્યાએ મળી આવ્યો હતો પણ તેમાંથી કિંમતી સામાન ગાયબ હતો, ત્યારે હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીને ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Source link