આજે બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વાવ વિધાનસભા પેટા ચુંટણીના મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે વાવના ભાખરી ગામે EVM ખોટવાયું હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી અનુસાર, વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટવાયું છે. વહેલી સવારથી જ EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા છે. સવારથી આવેલા મતદારો ઇવીએમ મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે. ઇવીએમ મશીન ખોટકાતા ખેતી કરતા લોકોનો પણ સમય બગડ્યો છે. ત્યારે મશીન ખરાબ થયા પછી નવું મશીન લાવીને મતદાન કામગીરી શરૂ કરવામાં આવી. ત્યારે મતદાન કરવા માટે આવેલા મતદારોને લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું છે.
એક મતદારે આ અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ મતદાન કરવા માટે સવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા છે. મશીન ખોટવાઈ ગયું છે, મતદાન કરવા માટે 2 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. મતદાન કરવું ખૂબ જ જરૂરી છે, ત્યારે ખેતીના કામને છોડીને મતદાન કરવા આવ્યા છીએ. અન્ય એક મતદારે જણાવ્યું કે મતદાન કરવા માટે વહેલી સવારથી આવી ગયા, પણ મશીન ખરાબ હોવાને કારણે 4-4 કલાક સુધી બેસવું પડે છે. અમારે દર વખતે મતદાન થાય ત્યારે 4-4 કલાક સુધી બેસવું પડે છે. ખેતીનો સમય બગડે છે. તેમણે જણાવ્યું કે 800 રૂપિયાનું મજૂરી કામ મૂકીને વોટ આપવા આવ્યા, પરંતુ મશીન બગડતા 3 કલાકથી પરેશાન થવાનો વારો આવ્યો છે.
અગાઉ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું કે 2 ગામમાં EVM ખોટવાયાની માહિતી મળી છે. સનેસણા, અસાણા ગામમાં EVM ખોટવાયા હોવાની મળી માહિતી છે. જે અંગે ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી છે.
Source link