Vijay-Rashmika : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ગુપચુપ સગાઈ કરી લીધી હોવાની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા

તાજેતરમાં એક મોટા મીડિયા રિપોર્ટ અનુસાર રશ્મિકા અને વિજયે એક ખાનગી સમારોહમાં તેમના નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈપણ ધામધૂમ વિના તેઓએ પરસ્પર રિંગ્સની વિનિમય સાથે જીવનભરના સાથી બનવાનો સંકલ્પ લીધો છે.
જો કે આ અંગે રશ્મિકા કે વિજય તરફથી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી છતાં સોશિયલ મીડિયા પર ચાહકો આ “ગુપ્ત સગાઈ” માટે અભિનંદન વર્ષા કરી રહ્યાં છે.
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરે તેવી શક્યતા
આ કપલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરે તેવી શક્યતા છે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.
રશ્મિકા મંદાનાએ 2016 માં કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ થી અભિનયની શરૂઆત કરી હતી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારબાદ તે ‘અંજની પુત્ર’ અને ‘છમક’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
ગીતા ગોવિંદમથી ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી
રશ્મિકા અને વિજયની કેમેસ્ટ્રી સૌપ્રથમ વખત 2018ની સુપરહિટ ફિલ્મ ગીતા ગોવિંદમમાં જોવા મળી હતી. દર્શકોને તેમનો રોમેન્ટિક ટ્રેક એટલો ભાયો કે તેમની આસપાસ ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ત્યારબાદ 2019માં ડિયર કોમરેડમાં ફરી આ જોડી જોવા મળી હતી.