કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટ રવિવારે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે ખનૌરી બોર્ડર પહોંચી છે. તેમણે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના ઉપવાસને એક સાહસિક પગલું ગણાવ્યું અને કહ્યું કે તેઓ અન્યના અધિકાર માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
વિનેશ ફોગાટે પંજાબ, હરિયાણા અને સમગ્ર દેશના લોકોને આ આંદોલનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે લાંબુ ભાષણ આપ્યું અને કહ્યું કે હવે સરકારે નક્કર પગલાં લેવા પડશે. વિનેશ ફોગાટે કહ્યું કે આ આંદોલન માત્ર ખેડૂતોના હિતમાં નથી, પરંતુ સમગ્ર દેશના હિતમાં છે. તેમણે કહ્યું “આપણે બતાવવાનું છે કે આપણે બધા એક છીએ. ખેડૂતોના મુદ્દે આખા દેશે સાથે આવવું પડશે.” આ દરમિયાન તેમની સાથે ખેડૂત નેતા ગુરનામ સિંહ ચદુની પણ હાજર હતા. ચદુનીએ સરકાર પર ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
વિનેશ ફોગાટે સરકારને તાત્કાલિક ઉકેલ શોધવાની અપીલ કરી
ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ ભૂખ હડતાળ પર બેઠા છે. ખેડૂતોની મુખ્ય માગણીઓમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી, ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા અને વીજ સુધારા બિલ પાછું ખેંચવાનો સમાવેશ થાય છે. દલ્લેવાલના સંઘર્ષને દેશના ખેડૂતોની લડાઈ ગણાવીને ફોગાટે સરકારને તાત્કાલિક ઉકેલ શોધવાની અપીલ કરી હતી. ખનૌરી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો અને તેમના સમર્થકો એકઠા થયા છે. આંદોલનકારીઓએ કેન્દ્ર સરકાર પર ખેડૂતોના પ્રશ્નોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે અને વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે.
સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ખેડૂતો
તમને જણાવી દઈએ કે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ પણ થોડા દિવસ પહેલા કાઢી પણ સુરક્ષાદળોએ ખેડૂતો પણ પાણીનો મારો ચલાવી અને ટિયરગેસના સેલ છોડ્યા હતા અને આંદોલનને નબળું પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા.
Source link