
પાકિસ્તાનમાં એક મોટી રેલ્વે દુર્ઘટના બની છે. ઇસ્લામાબાદ એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં 30 મુસાફરો ઘાયલ થયા છે,
જેમાંથી 3 ની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત લાહોરથી લગભગ 50 કિલોમીટર દૂર શેખુપુરા જિલ્લાના કાલા શાહ કાકુ વિસ્તારમાં થયો હતો.
પાકિસ્તાન રેલ્વેના જણાવ્યા અનુસાર, ટ્રેન લાહોરથી રાવલપિંડી જઈ રહી હતી અને લાહોર સ્ટેશનથી નીકળ્યાના લગભગ 30 મિનિટ પછી આ અકસ્માત થયો. ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો.
ઘાયલોની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે
રેલવે પ્રવક્તા બાબર રઝાએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ, બચાવ કાર્યકરો અને પેરામેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તમામ ઘાયલોની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. જોકે બાબર રઝાએ અકસ્માતના કારણો અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી, પરંતુ તેમણે કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
 
				


