વિરમગામ તાલુકા સેવા સદન કચેરીમાં આધાર કાર્ડની કામગીરી મામલતદાર કચેરીની દેખરેખમાં થાય છે. પરંતુ અહીંયા આધાર કાર્ડને લગતી કામગીરી માટે શહેર અને બહારગામથી આવતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાની રાવ ઉઠવા પામી છે.
તાલુકાના 70 જેટલા ગામ તેમજ શહેરની મળી અંદાજિત સાડા ત્રણ લાખ જેટલી વસ્તીના આધાર કાર્ડની કામગીરી માટે માત્ર એક જ કોમ્પ્યુટર સિસ્ટમ અહીંયા કાર્યરત છે. વળી લોકોને અગાઉથી ટોકન મેળવવા પડે છે. જેથી અહીંયા કામગીરી માટે આવતા લોકોની રોજે રોજ લાંબી કતારો ખડકાય છે. લોકોને કલાકોના કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું પડે છે. ઘણાં લોકોને ધરમ ધક્કા પડે છે. દુર દુરના વિસ્તારો અને બહાર ગામથી આવતા લોકો મુશ્કેલીઓ વેઠવી પડે છે. રોજગાર છોડીને તેમજ મોંઘા ભાડા ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત ભુલકાઓ ધરાવતી બહેનો, વડીલો, બીમાર અશક્ત વ્યક્તિઓની હાલત સૌથી કફેડી થાય છે. તેમાંય મિલિભગત વાળા વચેટિયાઓના કામ સરળ રીતે થઈ જવા સાથે લોકો સાથે યોગ્ય વર્તન જાળવવામાં નહીં આવવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે એક તરફ્ વિરમગામ તાલુકા સેવા સદન તેમજ પાલિકા તંત્ર દ્વારા ગામોગામ અને શહેરમાં આધાર કાર્ડ તેમજ અન્ય સરકારી કામગીરીને લગતા કામો માટે સેવા સેતુ કાર્યક્રમના આયોજન કરાઈ કામગીરી નિકાલના ઢંઢેરા પિટાય છે. તેમ છતાં સેવા સદન કચેરીમાં રોજે રોજ આધાર કામગીરી માટે લાંબી કતારો ખડકાય રહી છે. તેમ છતાં અહીંયા લોકોને વેઠવી પડતી હાલાકીઓના નિવારણ માટે વધુ સુવિધાઓ માટે પગલાં નહીં લેવાતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. કેન્દ્ર પર ગુરુવારે વહેલી સવારથી લોકોની લાંબી કતારો ખડકાઈ હતી.
ધંધૂકા શહેરમાં આધાર કાર્ડ માટેના બે જ કેન્દ્રો અને તેમાંય નેટવર્કના ધાંધિયા…
ધંધૂકા : ધંધૂકા ખાતે માત્ર બે કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ માટેની કાર્યવાહી હાલ ચાલે છે. તેમાં પણ નેટવર્કનો પ્રશ્ન સૌથી મોટું કારણ બનતા લોકો પરેશાન બન્યા છે. કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધ યોજનાઓમાં આધાર અપડેટ કરવું જરૂરી છે. તંત્ર જાણે છે છતાં આધાર અપડેટ સેન્ટર શહેરમાં કેમ ઓછા છે? વળી વિધાર્થીઓ માટે આધાર અપડેટ જરૂરી છે. ખેડૂત e-kyc, રેશનકાર્ડ e-kyc જેવા કામો માટે આધાર જરૂરી છે. ત્યારે સરકારની અણઘડ નીતિરીતિના કારણે હજારો આધારકાર્ડ ધારકો નિરાધાર જેવી હાલતમાં મુકાયા છે. સરકારની યોજના માટે અતિ જરૂરી આધાર કાર્ડમાં અપડેટ માટે ભારે હાલાકીનો લોકો સામનો કરી રહ્યા છે. ખાધાપીધા વગરના સવારે 10 વાગે આધાર કેન્દ્ર પર લાઈન લગાવી ઉભેલા લોકોને બપોરે બે વાગે નેટવર્ક નથી, આવતું સર્વર ચાલતું નથી, જેવા જવાબો મળતા થાકેલા પાકેલા લોકો ભારે વિમાસણમાં મુકાય છે. ત્યારે લોકો આ સમસ્યાનું કાયમી સમાધાન જવાબદાર તંત્રવાહકો પાસે માંગી રહ્યા છે.
Source link