બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. અંદાજે 70 ટકા કરતા વધુ મતદાન નોંધાયું હોવાની જાણકારી મળી રહી છે. પેટાચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. ઉમદેવારોનું ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થઈ ગયું છે.
23 નવેમ્બરે મત ગણતરી કરાશે
તમને જણાવી દઈએ કે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે, સાથે જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ જીતનો દાવો કર્યો છે. વાવ બેઠક પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને હવે 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે અને વાવમાં કોણ બાજી મારશે તે ખબર પડશે.
વાવમાં બપોરે 3 વાગ્યા સુધી 55 ટકા મતદાન થયું હતું
તમને જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા સુધી વાવમાં સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું હતું. ભાભરમાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો હતો. સતત મતદાન માટે મતદારો પહોંચી રહ્યા હતા. કૂલ 321 પોલિંગ સ્ટેશન પર મતદાન યોજવામાં આવ્યું હતું. બપોરના સમયે મહિલા મતદારોનું પ્રમાણ વધારે જોવા મળ્યું અને અલગ અલગ મુદ્દાઓને લક્ષમાં રાખી મતદારોએ મતદાન કર્યું છે.
ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું
ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ મતદાન કરવા માટે નીકળ્યા હતા. ઘરેથી દેવદર્શન કરી મતદાન માટે ઉમેદવાર નીકળ્યા હતા. માતા-પિતાના આશીર્વાદ લઈ મતદાન માટે રવાના થયા હતા અને આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ગામેગામના લોકોના આશીર્વાદ મળ્યા છે, સ્થાનિક મતદારો વિકાસ માટે કમળ ખીલવશે અને ભાજપ ખૂબ મોટી લીડથી વિજય થશે.
ગુલાબસિંહ રાજપુતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારે લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુલાબસિંહ રાજપુતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
Source link