વકફ સંશોધન બિલને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો ફરતા થયા છે. જેમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનરો હેઠળ લોકો પાસે વકફ સંશોધન બિલને લઇને વોટિંગ કરવાનું કહેવામાં આવે છે. લોકોને આ અંગે પોતાનો અભિપ્રાય આપવાનું કહેવામાં આવે છે. વીડિયોમાં તેઓ વિવિધ વિસ્તારનું નામ પણ બોલી રહ્યા છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આ વીડિયોને લઇને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પ્રતિક્રિયા આપી છે સાથે તેમણે ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકની પોસ્ટ પર પલટવાર કર્યો છે.
કેન્દ્રીયમંત્રીએ લીધી નોંધ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર વળતો જવાબ આપતા કહ્યું કે ભારતમાં મુસ્લિમોને ગેરમાર્ગે દોરશો નહીં. દેશના લોકોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.. મહત્વનું છે કે ઝાકીર નાઇકની પોસ્ટ બાદ કિરેન રિજિજુની આ ટિપ્પણી આવી છે. જેમાં તેમણે ભારતના મુસ્લિમોને ‘વક્ફની પવિત્રતાની રક્ષા માટે સાથે ઊભા રહેવા’ અને ‘વક્ફ સુધારા બિલને નકારવા’ કહ્યું હતું.
ઝાકિર નાઈકે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બરે ઝાકિર નાઇકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ભારતીય વકફ મિલકતોને બચાવો, વક્ફ સુધારા બિલને નકારીએ! ચાલો આપણે બધા સાથે મળીને વકફની પવિત્રતાનું રક્ષણ કરીએ અને મુસ્તાકબિલ્સની પેઢીઓ માટે તેને બચાવવા આગળ વધીએ. ભારતના મુસ્લિમો માટે આ દુષ્ટતાને રોકવા માટે આ એક તાકીદનું આહ્વાન છે. જે વક્ફની પવિત્રતાની વિરુદ્ધ છે અને ઇસ્લામિક સંસ્થાઓના ભવિષ્ય પર નકારાત્મક અસર કરે છે. જો આપણે આ બિલ પસાર થવા દઇશું તો આપણે અલ્લાહની સજા અને આવનારી પેઢીઓનો શ્રાપ ભોગવવો પડશે. તેમણે આગળ લખ્યું કે ભારતના લગભગ 50 લાખ મુસ્લિમોએ વક્ફ સુધારા બિલને નકારી કાઢવું જોઈએ.
કિરણ રિજિજૂએ આપ્યો વળતો જવાબ
ઝાકિર નાઇકની પોસ્ટને રિશેર કરીને તેમણે લખ્યું કે કૃપા કરીને દેશની બહારના નિર્દોષ મુસલમાનોને ગુમરાહ ન કરો. ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકોને પોતાનો અભિપ્રાય આપવાનો હક છે.
વક્ફ બોર્ડ શેના માટે ?
વકફ કાયદો એ મુસ્લિમ સમુદાયની મિલકતો અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન અને નિયમન માટે બનેલો કાયદો છે. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ વક્ફ મિલકતોનું યોગ્ય સંરક્ષણ અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો છે . જેથી આ મિલકતોનો ધાર્મિક અને ચેરિટેબલ માટે ઉપયોગ કરી શકાય. વક્ફ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘રોકવું’ અથવા ‘સમર્પણ કરવું’. ઇસ્લામમાં વક્ફ મિલકત એક સ્થાયી ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટના રૂપે સમર્પિત કરવામાં આવે છે. જેનો ઉપયોગ ધાર્મિક હેતુઓ, ગરીબોને મદદ, શિક્ષણ વગેરે માટે કરવામાં આવે છે. વકફ મિલકતોના સંચાલન માટે દરેક રાજ્યમાં વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ વકફ મિલકતોની નોંધણી, રક્ષણ અને સંચાલન કરે છે.
વક્ફ બોર્ડ કરે છે શું ?
- વકફ એક્ટ હેઠળ તમામ વકફ મિલકતોની નોંધણી ફરજિયાત છે. આ નોંધણી સંબંધિત રાજ્ય વક્ફ બોર્ડમાં કરવામાં આવે છે.
- વકફ બોર્ડને વકફ મિલકતોની જાળવણી, સમારકામ અને વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.
- બોર્ડ સુનિશ્ચિત કરે છે કે વક્ફ મિલકતોનો ઉપયોગ ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે થાય છે
- વકફ બોર્ડ પાસે વકફ મિલકતોનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવાની સત્તા છે.
- આ બોર્ડ વકફ પ્રોપર્ટીના મેનેજરની પણ નિમણૂક કરે છે અને તેમની ક્રિયાઓની સમીક્ષા કરે છે.
- વકફ પ્રોપર્ટી સંબંધિત વિવાદોના સમાધાન માટે વિશેષ અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલત વકફ મિલકતો સંબંધિત તમામ વિવાદોનું સમાધાન કરે છે.