ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ રહી છે, જેમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 337 રન પર સમાપ્ત થયો હતો.
ટ્રેવિસ હેડે ટીમ ઈન્ડિયાના બોલરોને પછાડીને સદી ફટકારી હતી. અંતે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે હેડને આઉટ કર્યો હતો. હેડને આઉટ કર્યા બાદ સિરાજ થોડો ગુસ્સામાં બોલતો જોવા મળ્યો હતો, ત્યારબાદ હેડની પ્રતિક્રિયા પણ તરત જ જોવા મળી રહી હતી. હવે હેડે ખુલાસો કર્યો કે સિરાજે શું કહ્યું હતું?
સિરાજ અને હેડ વચ્ચે થયો ઝઘડો
પ્રથમ દાવમાં, ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા માટે શાનદાર ઈનિંગ રમી હતી. હેડે માત્ર 141 બોલમાં 140 રન બનાવ્યા હતા. જે બાદ સિરાજે શાનદાર બોલથી હેડને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન સિરાજે હેડને પેવેલિયન તરફ ચાલતા રહેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તે પહેલા હેડે મજાકમાં સિરાજને કહ્યું હતું કે સારી બોલિંગ.
હવે આ બાબતે ખુલાસો કરતાં હેડે કહ્યું કે “મેં ખરેખર મજાકમાં સારી બોલિંગ કહી હતી, પરંતુ તેને મને પેવેલિયન તરફ ઈશારો કર્યો હતો, જેના પર મેં પ્રતિક્રિયા આપી હતી. હું તેના કરતાં વધુ સમય ત્યાં વિતાવવા માંગતો ન હતો. હું જે રીતે રમું છું તે મને સારી પ્રતિક્રિયાની અપેક્ષા છે, પરંતુ હું આ પ્રતિક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હેડે આગળ કહ્યું કે જો તેઓ ઈચ્છતા હોય તો તેવું જ બરાબર.
જીત તરફ આગળ વધી રહ્યું છે ઓસ્ટ્રેલિયા
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફ્રન્ટ ફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં માત્ર 180 રનમાં આઉટ કર્યા બાદ કાંગારુ ટીમે પ્રથમ દાવમાં 337 રન બનાવીને સારી લીડ મેળવી હતી. આ પછી બીજી ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયા તરફથી ખતરનાક બોલિંગ જોવા મળી હતી. જેના કારણે બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 128 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 28 રન પાછળ છે. આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમ પર આ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં હારનો ખતરો છે.