હાલમાં રાજ્યમાં વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે, ત્યારે વાતાવરણ અંગે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. એટલે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ ઠંડીના ચમકારાની આગાહી વ્યક્ત કરી છે.
ઉત્તર પશ્ચિમી પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો
તમને જણાવી દઈએ કે નલિયામાં સૌથી ઓછું 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે હજુ રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધઘટ થશે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે ઠંડીનો ચમકારો હાલમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારે નલિયા અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નલિયામાં તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
2 દિવસ પહેલા નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
તમને જણાવી દઈએ 2 દિવસ પહેલા પણ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ હતી, તે મુજબ જ તાપમાન રહ્યું હતું. ત્યારે આ દરમિયાન અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને સૌથી ઓછું નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે 8 ડિસેમ્બરે પણ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું અને હવામાન વિભાગના આંકડા અનુસાર પાલનપુર 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું તો બીજા નંબરે ગાંધીનગર 12.1 ડિગ્રી સાથે ઠંડુંગાર હતું. ત્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, વેરાવળમાં 16.2 ડિગ્રી અને સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ રાજ્યોમાં પણ ઠંડીને લઈને એલર્ટ આપવામાં આવ્યું
બીજી તરફ હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 4 જિલ્લાઓમાં શનિવાર સુધી તીવ્ર ઠંડીની આગાહી આપી છે. આ સાથે જ હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના અનેક શહેરોમાં પણ તાપમાન નીચું જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટશે અને ઠંડીમાં પણ વધારો થશે.
Source link