Hollywood : અમેરિકન એક્ટ્રેસ સિડની સ્વીનીને બોલિવૂડમાં અભિનય કરવા 530 કરોડની ઓફર કરાઈ

હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સિડની સ્વીની ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, એક ભારતીય પ્રોડક્શન કંપનીએ તેને એક ફિલ્મ માટે રૂ.500 કરોડથી વધુની ફી ઓફર કરી છે. અહેવાલ અનુસાર, એક ભારતીય પ્રોડક્શન કંપનીએ એક્ટ્રેસને 45 મિલિયન પાઉન્ડ એટલે કે 530 કરોડ રૂપિયાની મોટી ડીલ ઓફર કરી છે.
આ મોટી રકમનો હેતુ સિડનીની આંતરરાષ્ટ્રીય છબીનો ઉપયોગ કરવાનો છે
‘ધ સન’ના અહેવાલ મુજબ, આ ડીલમાં રૂ.415 કરોડની ફી અને રૂ.115 કરોડની સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે, જે કુલ મળીને 45 મિલિયન પાઉન્ડ અથવા લગભગ રૂ.563 કરોડ થાય છે. આ મોટી રકમનો હેતુ સિડનીની આંતરરાષ્ટ્રીય છબીનો ઉપયોગ કરીને ફિલ્મને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો છે. જોકે, સિડનીએ આ ઓફર સ્વીકારી છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
ફિલ્મનું શૂટિંગ દુબઈ, ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં થશે
જો સિડની આ ઓફર સ્વીકારે તો આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બની શકે છે. આ ફિલ્મમાં સિડની એક યુવાન અમેરિકન સ્ટારની ભૂમિકા ભજવશે જેને એક ભારતીય સેલિબ્રિટી સાથે પ્રેમ થાય છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે લંડન, દુબઈ, ન્યૂયોર્ક અને પેરિસ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં થશે. જોકે, ફિલ્મના શીર્ષક વિશે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.