![Currency Note: 2000 રૂપિયાની નોટને લઈને RBIએ શું કહ્યું? Currency Note: 2000 રૂપિયાની નોટને લઈને RBIએ શું કહ્યું?](https://i3.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/03/q1ONQkka2gNTEO5mxuYFElTqXIwn5yctB2B57srq.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
દેશની કેન્દ્રીય બેંક RBIએ 2000 રૂપિયાની નોટ પર એક મહત્વની જાણકારી આપી છે. આ જાણકારી તમારા માટે પણ ઉપયોગી થઈ શકે છે. હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે ચલણમાંથી પરત ખેંચાયેલી 2,000 રૂપિયાની નોટોમાંથી 98.15 ટકા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે અને હવે ફક્ત 6,577 કરોડ રૂપિયાની આવી નોટો લોકો પાસે છે.
RBIએ આ માહિતી આપી
તમને જણાવી દઈએ કે 19 મે, 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોટો પરત ખેંચવાની જાહેરાતના દિવસે કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. 31 જાન્યુઆરી, 2025ના રોજ કામકાજ બંધ થતાં આ આંકડો ઘટીને રૂપિયા 6,577 કરોડ થયો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ રીતે, 19 મે,2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોમાંથી કુલ 98.15 ટકા પરત આવી ગઈ છે. રિઝર્વ બેંકે 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેન્ક શાખાઓમાં 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ સુવિધા હજુ પણ રિઝર્વ બેન્કની 19 ઓફિસમાં ઉપલબ્ધ છે.
કેવી રીતે જમા કરાવવી 2000 રૂપિયાની નોટ?
RBIની ઈશ્યૂ ઓફિસ 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી 2000 રૂપિયાની નોટો તેમના બેન્ક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા 2000 રૂપિયાની નોટો RBIની કોઈપણ ઓફિસમાં મોકલી શકે છે, જેથી તે તેમના બેન્ક ખાતામાં જમા થઈ શકે. ચલણમાંથી પરત ખેંચી લીધી છતાં 2000 રૂપિયાની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહે છે. આ નોટો નવેમ્બર 2016માં તે સમયની પ્રચલિત 1,000 અને 500 રૂપિયાની નોટોને બંધ કર્યા પછી રજૂ કરવામાં આવી હતી.
Source link