સેલ્ફી લેવાની મજા બની જીવલેણ,અમદાવાદી યુવકનું માઉન્ટ આબુમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોત

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ફરવા આવેલા અમદાવાદના ત્રણ મિત્રોમાંથી એક યુવાનનો સેલ્ફી લેતાં અકસ્માતે જીવ ગુમાવવાનો બનાવ સામે આવ્યો છે. રસ્તામાં ફોટો પડાવવાની મજા જીવલેણ સાબિત થઈ, જ્યારે એક મિત્ર 300 ફૂટ ઊંડા ખીણમાં પટકાઈ ગયો.
સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ સારવાર માટે લઈ જતાં જ તેનું મોત થઈ ગયું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
યુવકનો પગ લપસતા તે સીધો ખીણમાં પટકાયો
માહિતી મુજબ, અમદાવાદથી આવેલા ત્રણ મિત્રો માઉન્ટ આબુથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલ હનુમાનજી મંદિર પાસે રોકાયા હતા. અહીં સેલ્ફી લેતા સમયે બિપિન પટેલ નામના યુવકનો પગ લપસતા તે સીધો ખીણમાં પટકાયો હતો. ઘટનાને જોઈ સાથીદારો ગભરાઈ ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી.
યુવકને ગંભીર ઈજાઓ સાથે બહાર કાઢ્યો
પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સ્થાનિક લોકોની મદદથી બિપિન પટેલને ગંભીર ઈજાઓ સાથે બહાર કાઢ્યો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે માર્ગમાં જ તેની પ્રાણજ્યોત બુઝાઈ ગઈ.