વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ, કોંગ્રેસ અને માવજી પટેલ અપક્ષ તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વાવમાં ભાજપના સમર્થનમાં ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં શંકર ચૌધરીએ માવજી પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.
શંકર ચૌધરીના પ્રહાર સામે માવજી પટેલે આપ્યો વળતો જવાબ
ત્યારે હવે શંકર ચૌધરીના આરોપો સામે માવજી પટેલે પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું કે મેં ક્યારેય ફોર્મ પાછું ખેંચવાની વાત કરી જ નથી, મારે જનતા કહે એ વિચારવું પડે, મારે મારી જનતાનું નુકશાન કરવું નથી. ફોર્મ પાછું ખેંચવાની વાત કહીને ભાજપ લોકોને ભરમાવે છે. 3 મહિનાથી બેંક એમને એમ પડી છે, બધાને ગાજર લટકાવે છે કે તમને ચેરમેન બનાવું, આજ તો તમે હદ કરી નાખી આ છોકરાને દબાવો છો, શું એના પરિવારે કોઈ દિવસ વોટ નહીં આપ્યા હોય? શું એના કામ નહીં કર્યા હોય આમ હેરાન કરવાના?
જેલમાં પુરાવવા હોય તો પુરાવી દેજો: માવજી પટેલ
માવજી પટેલે વધુમાં જણાવ્યું કે તમને 3 દિવસ જગાડું છું, તમને જવાબદારી 3 દિવસની આપુ છું અને ચોથા દિવસે ભગવાને ધાર્યું હશે તે પરિણામ આવશે. જ્યોર્જ ફર્નાન્ડિસ જેલમાંથી ચૂંટણી જીત્યા હતા, જેલમાં પુરાવવા હોય તો પુરાવી દેજો, ત્યાંથી લડતો હશે એ લડશે અને જીતતો હશે એ જીતશે. હમણા ચાલ્યું છે કટોંગે બટોંગે પણ કોઈ કટવાનું નથી. મારે દુઃખ સાથે કેવું પડે છે કેમ વાવથી તમારે જાવું પડ્યું?
તમારે કેમ વાવથી જાવું પડ્યું: માવજી પટેલ
સારા કામ કર્યા હોત તો તમારે જાવુ ના પડ્યું હોત અને તમે હારેલાને ટિકિટ આપી, ઠાકોર સમાજમાં બીજો કોઈ ઉમેદવાર છે જ નહીં, અન્ય સમાજમાં બીજો કોઈ ઉમેદવાર નહીં હોય. આ લોકો તો પોતાની પેઢી હોય એમ સમજે છે અને તેમના સ્વાર્થ માટે લડે છે. મારું જે થવું હોય તે થાય પણ આ સીટ જીતાડજો અને તેમનો જે ઘમંડ છે એ આ પ્રજા જ ઉતારશે.
Source link