લીંબડીના સ્વામીનારાયણ મંદિર સામે પુલની નીચે રહેતા મારવાડી પરીવારની પરિણીતાએ તા. 12ના રોજ સાંજે સાસરીયાઓના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. જેમાં પરિણીતાનું મોત થતા તેના પિતાએ પતિ, સાસુ અને નણંદ સામે લીંબડી પોલીસ મથકે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાસરીયાઓના ત્રાસને લીધે પરિણીતાઓના જીવન ટુંકાવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ લીંબડી પોલીસના ચોપડે ચડયો છે. મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ દેવીદાસભાઈ લાખાણીની દિકરી નીકીતાબેનના લગ્ન તા. 21-2-21ના રોજ સુરેન્દ્રનગરના ચાર માળીયામાં રહેતા લખન નારાયણભાઈ સોલંકી સાથે થયા હતા. લખન પરીવાર સાથે લીંબડી સ્વામીનારાયણ મંદિર સામે આવેલ પુલ નીચે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો. નીકીતાબેનને પતિ લખન નારાયણભાઈ સોલંકી, સાસુ ગંગાબેન નારાયણભાઈ સોલંકી અને નણંદ તેજલબેન કારણ વગર બોલાચાલી કરી મારઝુડ કરતા હતા. આથી તા. 12ના રોજ નીકીતાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને લીંબડી સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં ડોકટરે નીકીતાબેનને અમદાવાદ કે રાજકોટ સારવાર માટે લઈ જવાનું કહેવા છતાં પતિ લખન ત્યાં ન લઈ જઈ ઘરે લઈ ગયો હતો. જેમાં નીકીતાબેનનું મોત થયુ હતુ. આથી મૃતકના પિતા જગદીશભાઈ લાખાણીએ પતિ, સાસુ અને નણંદ સામે લીંબડી પોલીસ મથકે પોતાની દિકરીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.
Source link