ઐતિહાસિક નગરી અને દેવોના મોસાળ તરીકે વિશ્વ ફલક ઉપર સુપ્રચલિત અને પવિત્ર કુંવારીકા માં સરસ્વતી નદીને કિનારે વસેલા સિદ્ધપુર શહેરમાં અનોખી રીતે ઋષિ પંચમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે ઋષિ પંચમીના તહેવારે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર મહિલાઓએ સિદ્ધપુરની સરસ્વતી નદીને કાંઠે પાણીમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
સરસ્વતી નદીના નીરથી સ્નાન કરવાનું આગવું અને વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ સરસ્વતી નદી કાંઠે પહોંચી હતી અને શાહી સ્નાન કર્યું હતું. મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઋષિ પંચમી પર્વ નિમિત્તે ઋષિની પૂજાનું વિશેષ મહત્વ હોવાથી બિંદુ સરોવર પ્રાંગણમાં આવેલા કંદર્પ ઋષિના આશ્રામ સમા મંદિરમાં મહિલાઓએ પૂજા અર્ચના અને આરાધના કરી હતી.
સરસ્વતી નદી કિનારે થતી માટીના ઋષિની પૂજા
સિદ્ધપુર : માતૃગયા તીર્થ તરીકે વિશ્વ ફલક ઉપર સુપ્રચલિત સિદ્ધપુરમાં વર્ષો જૂની પરંપરા અનુસાર સરસ્વતી નદીના કિનારે જ શ્રદ્ધાળુઓ માટીના ઋષિ બનાવી તેઓની પૂજા અર્ચના કરીને ઋષિ પંચમીના તહેવારની ઉજવણી કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ભારત વર્ષમાં માત્ર સિદ્ધપુરની સરસ્વતી નદીના કિનારે જ આ અનોખી પ્રકારની ઋષિ પંચમીની ઉજવણી કરવામાં આવે છે. ઋષિ પંચમીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પરિવારોએ સરસ્વતી નદીને કિનારે આવી માટીના ઋષિ બનાવી પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
Source link