GUJARAT

Chotila તાલુકાના કંથારિયા ગામના મહિલા સરપંચ મધ્યાહન ભોજન મામલે સસ્પેન્ડ

ચોટીલા તાલુકાના કંથારિયા ગામના મહિલા સરપંચ, એમના પતિ-પુત્રને પ્રાથમિક શાળાના આચાર્ય સાથે મધ્યાહન ભોજન બાબતે બોલાચાલી બાદ મારામારી થયાની સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ત્યારબાદ તપાસ કરતા સરપંચ અને આચાર્ય જ મારામારી કરે તો સમાજમાં ખોટી અસર પડે એ ગંભીરતા જોઇ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે શિક્ષણાધિકારીએ આચાર્યની બદલીનું ફરમાન જારી કર્યુ હતું.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ગામડાઓમાં આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં અનેક જગ્યાએ વ્યાપક ફરીયાદો ઉઠતી હોય છે. ચોટીલા તાલુકાના કંથારિયા ગામની પ્રાથમીક શાળા નંબર 2નું મધ્યાહન ભોજનનું સંચાલન ગામના મહિલા સરપંચ હંસાબેન ભુપતભાઇ ધોરીયાના પુત્ર દેવરાજભાઇ ભુપતભાઇ ધોરીયા દ્વારા કરાવાઇ રહયુ હતુ. તેઓએ શાળામાં મધ્યાહન ભોજન ન બનાવાયુ હોવા છતાય બાળકોની ખોટી હાજરી પુરાવવા માટે પ્રાથમિક શાળાના આચાર્ય ગોરધનભાઇ દાનાભાઇ સોરાલી ઉપર દબાણ કર્યુ હતુ. પરંતુ તેઓએ ખોટી સહી કરી ન હતી. આ બાબતે કંથારિયાના મહિલા સરપંચ હંસાબેન, એમના પતિ ભુપતભાઇ અને પુત્ર દેવરાજભાઇએ પ્રાથમિક શાળાના આચાર્ય સાથે બોલાચાલી કરી ઝગડો કરી મારામારી પણ કરી હતી. આ બાબતે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરીયાદ પણ નોંધાઇ હતી. આમ ગામના સરપંચ એટલે ગામના મોભી ગણાય અને શાળાના આચાર્ય એટલે બાળકોને સંસ્કારનું સિંચન કરનાર વાલી સમાન ગણાય જો ગામના બંને મુખ્ય વ્યકિત જ આવુ વર્તન કરે તો ગામના લોકો અને શાળાના બાળકો ઉપર ગંભીર અસર થાય એ હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા મહિલા સરપંચ હંસાબેનને સસ્પેન્ડ કરી દીધા છે અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્યને પણ ચોટીલા તાલુકા અને જ્લ્લિાના છેવાડાના ભેટસુડા ગામની શાળામાં બદલી કરી દેવાઇ છે. આમ આચાર્ય અને સરપંચના ઝઘડા બાદ સરપંચ સસ્પેન્ડ અને આચાર્યની બદલી કરી દેવાતા સમગ્ર પંથકમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.

સરપંચ અને આચાર્ય બંને સામે તુરત જ પગલાં લેવાયાં

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ જણાવેલ કે ગામના સરપંચ પાસે લોકોને સારી અપેક્ષા હોય અને શાળાના આચાર્યનું બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનુ કામ છે. જો ગામના બંને મુખ્ય વ્યકિત જ મારામારી ઝઘડાનું વર્તન કરે તો સમાજ બાળકો ઉપર ખોટી અસર પડે જે તદ્ન યોગ્ય નથી. એટલે સરપંચને સસ્પેન્ડ કર્યા છેે. આચાર્યની તાત્કાલિક બદલી કરી દીધી છે.

બંને પક્ષે સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

કંથારિયા ગામની પ્રાથમિક શાળામાં ગોરધનભાઈ દાનાભાઈ સોરાણી છેલ્લા 17 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તા. 23-3-24ના રોજ મધ્યાહન ભોજન સંચાલક અને મહિલા સરપંચના પુત્ર દેવરાજ ભુપતભાઈ ધોરીયાએ ફોન કરી આજે મધ્યાહન ભોજનમાં બાળકો માટે જમવાનું બનાવવાનું નથી. તમે ઓનલાઈન હાજરી પુરી નાંખજો તેમ કહ્યુ હતુ. આથી આચાર્ય ગોરધનભાઈએ ના પાડી કહ્યુ કે, જો જમવાનું બને તો જ હાજરી પુરાશે. આથી દેવરાજ ભુતભાઈ ધોરીયા, હંસાબેન ભુપતભાઈ ધોરીયા અને ભુપત ગોવિંદભાઈ ધોરીયાએ શાળાએ જઈ ચાલુ વર્ગખંડે સ્કુલ તારા બાપની નથી, હવે હું જોઉ કે તું કેમ નોકરી કરેશ. તેમ કહી આચાર્યને લાફાવાળી કરી, કુહાડી અને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે સામા પક્ષે ભુપતભાઈ ગોવિંદભાઈ ધોરીયાએ મધ્યાહન ભોજનનો સામાન મુકવા માટે દેવરાજે આચાર્ય ગોરધનભાઈ દાનાભાઈ સોરાણી પાસે ચાવી માંગતા ચાવી આપવાની ના પાડી આચાર્યે ઉશ્કેરાઈ જઈ દેવરાજભાઈ, તેમના સરપંચ માતા અને ભુપતભાઈ સાથે બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી મુઢ માર માર્યાની નાની મોલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

આચાર્ય સામે નશો કરવા, બાળકોને મારવાના આક્ષેપ

કંથારિયા ગામે છેલ્લા 17 વર્ષથી પ્રાથમિક શાળાના ફરજ બજાવતા આચાર્ય ગોરધનભાઇ શાળામાં નશો કરીને આવતા હોવાની અને શાળા દરમિયાન આરામ ફરમાવતા હોવાની તથા બાળકોને માર મારતા હોવાના આક્ષેપ સાથેની ગામના સરપંચે રજૂઆત કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button