વર્ષ 2024 ભારત માટે કુદરતી આફતોનું વર્ષ રહ્યું છે. આ વર્ષે દેશમાં ચક્રવાત ફેંગલ અને વાયનાડમાં ભૂસ્ખલન જેવી અનેક વિનાશકારી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણું નુકસાન પણ સહન કર્યું છે. હજારો લોકો બેઘર બન્યા અને ઘણી જગ્યાએ જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. ત્યારે ચાલો જાણીએ 2024માં ભારતમાં બનેલી 6 સૌથી ભયંકર કુદરતી આફતો વિશે.
1. વાયનાડ ભૂસ્ખલન
30 જુલાઈના રોજ કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 420થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 397 લોકો ઘાયલ થયા છે અને 47 લોકો હજુ પણ લાપતા છે. 1500થી વધુ ઘરો ધરાશાયી થયા હતા અને હજારો લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી હતી.
2. તોફાન રામલ
તોફાન રામલે 2024નું ઉત્તર હિંદ મહાસાગરનું વાવાઝોડું હતું, જે સિઝનનું પ્રથમ વાવાઝોડું હતું. જે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરબન ડેલ્ટા ક્ષેત્રમાં પહોંચ્યું હતું. જેના લીધે 33 લોકોના મોતને ભેટ્યા હતા અને ઘણી જગ્યાએ મોટો વિનાશ સર્જાયો હતો. આ વાવાઝોડાએ બંગાળ, મિઝોરમ, આસામ અને મેઘાલયમાં ભારે નુકસાન કર્યું છે.
3. તોફાન ફેંગલ
30 નવેમ્બરે ચક્રવાત ફેંગલે પુડુચેરી નજીક લેન્ડફોલ કર્યું હતું અને તેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકોને અસર પહોંચી હતી. આ વાવાઝોડાએ ભારે વરસાદ સાથે તબાહી મચાવી હતી, પુડુચેરીમાં 46 સેમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તમિલનાડુના વિલુપુરમ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે.
4. વિજયવાડા પૂર
ત્યારે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી વિજયવાડામાં ભારે વરસાદ અને નદીઓમાં પાણીના પ્રવાહને કારણે પૂર આવ્યું હતું. આ પૂરમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા અને 2.7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. બુડમેરુ નદી અને કૃષ્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયા હતા અને તેના કારણે રાહત કામગીરીમાં મોટી મુશ્કેલીઓ પડી હતી.
5. હિમાચલ પ્રદેશમાં પૂર
જૂનથી ઓગસ્ટ મહિના સુધીમાં હિમાચલ પ્રદેશમાં 51 વાદળ ફાટ્યા અને મોટુ પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા હતા અને 33 લોકો ગુમ થયા હતા. લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હતું. આ સમયગાળા દરમિયાન 121 મકાન ધરાશાયી થયા હતા અને 35 ઘર ભૂસ્ખલન થઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે હિમાચલ પ્રદેશને આશરે 1,140 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.
6. આસામ પૂર
આસામમાં આ વર્ષે પણ ભયંકર પૂર આવ્યું હતું, જેમાં 117 લોકો મોતને ભેટ્યા હતા. આસામમાં 2019થી અત્યાર સુધીમાં પૂરમાં કુલ 880 લોકોના મોત થયા હતા. પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
Source link