ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરી એક વખત મોટો ખુલાસો થયો છે. આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ બાદ આ મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મોટી હકીકત સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અન્ય હોસ્પિટલ ભાડે રાખી હતી અને તગડું ભાડુ હોસ્પિટલને ચૂકવતા હતા.
હોસ્પિટલ શરૂ કરીને 4 પાર્ટનરો તગડો નફો કમાયા હતા
એશિયન બેરીયાટીક હોસ્પિટલ ખ્યાતિકાંડના કૌભાંડીઓએ ભાડે રાખી હતી, ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરતા પહેલા આ હોસ્પિટલ ભાડે રાખી હતી. દર મહિને 16 લાખ રૂપિયા ભાડું હોસ્પિટલને ચૂકવવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં એશિયન બેરીયાટીક હોસ્પિટલ કૌભાંડીઓએ ભાડે રાખી હતી અને એક વર્ષના સમયમાં હોસ્પિટલે 6 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને 4 પાર્ટનરોના ભાગે 1.50-1.50 કરોડ રૂપિયા આવ્યા હતા. ત્યારે આ નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી. ત્યારબાદ એશિયન બેરીયાટીક હોસ્પિટલના સ્થળ પર જ ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત,સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ આ હોસ્પિટલમાં પાર્ટનર હતા.
ખ્યાતિ કાંડમાં આરોગ્ય વિભાગ શંકાના દાયરામાં
ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ પણ શંકાના દાયરામાં આવ્યું છે. ખ્યાતિ કાંડ મુદ્દે આરોગ્ય વિભાગ જ પોતાના બચાવમાં લાગ્યો છે અને તપાસ કમિટીની રચના છતાં કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી અને તપાસના નામે સમય પસાર કરવાનું માત્ર તરકટ રચવામાં આવ્યું છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજૂ પોલીસ પકડથી દૂર છે અને મૃતક દર્દીઓના PMના પ્રાથમિક રિપોર્ટ પણ હજુ સુધી આવ્યા નથી. આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં છે. ત્યારે સુત્ર એવું પણ જણાવી રહ્યા છે કે તપાસ કમિટીને વધુ તપાસ ન કરવા સૂચના અપાઈ છે. 2022થી અત્યાર સુધી 3500થી વધુ ઓપરેશન થયા છે. PMJAYનો લાભ લેવા એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા અને વારંવાર ઈમરજન્સી એપ્રુવલમાં મોકલ્યા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી, તે ચોંકાવનારી બાબત છે. આરોગ્ય વિભાગ દ્વારા આ આંગે કોઈ તપાસ કરાઈ ન હતી.
Source link