આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલપાલેમ ગામમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં આવેલા ‘સૂર્યા ફાયરવર્ક્સ’ નામના ફટાકડા બનાવતા એકમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 18 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના અવાજથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું હતું અને ફટાકડા યુનિટની છત હવામાં ઉડી ગઈ હતી.

મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે ખેતરોમાં વિખરાયેલા શરીરના ભાગોને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. ઘટનાસ્થળેથી લોહીલુહાણ લાશોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ખાતરની બોરીઓમાંથી બનેલી ટોકરીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો, જે દ્રશ્યો જોઈને સૌના કાળજા કંપી ગયા હતા.

મુખ્યમંત્રીએ સહાયનો આપ્યો નિર્દેશ
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી હતી. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવા સૂચના આપી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વિસ્ફોટના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, ફટાકડા બનાવવા માટે વપરાતા રસાયણોમાં થયેલું ઘર્ષણ અથવા સુરક્ષાના અભાવે આ દુર્ઘટના ઘટી હોઈ શકે છે.


Leave a Comment