Mahesana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં એક હૃદયવિદારી અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ટ્રક રિવર્સ લેતા સમયે પિતાના હાથે 19 વર્ષીય પુત્રનું અકસ્માતે મોત નીપજ્યું હતું.
મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેવારામ ચૌધરી ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મુકનારામ પિતાને કામમાં મદદ કરવા માટે સાથે જ રહેતો હતો. 23 ડિસેમ્બરે બંને જેસલમેરથી ટ્રકમાં માલ ભરી ઈન્દ્રાડની ગ્રીનફિલ્ડ ડેરિવેટિવ્ઝ કંપનીમાં આવ્યા હતા.
24 ડિસેમ્બરની સવારે માલ ખાલી કરતી વખતે દેવારામ ટ્રકને શેડમાં રિવર્સ લઈ રહ્યા હતા. ત્યારે મુકનારામ પાછળ ઉભો રહી સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક અને દીવાલ વચ્ચે રહેલા લોખંડના સ્ટેન્ડને ખસેડવા જતા યુવાન ટ્રક અને દીવાલ વચ્ચે દબાઈ ગયો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુકનારામે પિતાની નજર સામે જ અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાથી પિતા આઘાતમાં સરી પડ્યા છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બનાવની જાણ થતા કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કંપનીઓમાં લોડિંગ-અનલોડિંગ દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીરતા ફરી ઉજાગર કરી છે.


Leave a Comment