38 વર્ષીય Rohit Sharma પહેલીવાર વન-ડે રેન્કિંગમાં નંબર-1 ખેલાડી બન્યો

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં પહેલીવાર ICC ODI રેન્કિંગમાં નંબર ૧ બેટરનું સ્થાન હાંસલ કર્યું છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલા નવા રેન્કિંગ્સ મુજબ, રોહિતે 781 રેટિંગ પોઈન્ટ્સ સાથે અગાઉના નંબર 1 શુભમન ગિલને પાછળ છોડી દીધો છે.
- 38 વર્ષ અને 182 દિવસની વયે રોહિત વન-ડે રેન્કિંગમાં નંબર 1 ખેલાડી બન્યો
આ સિદ્ધિ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પણ તોડ્યો છે. 38 વર્ષ અને 182 દિવસની ઉંમરે રોહિત વન-ડે રેન્કિંગમાં સૌથી મોટી ઉંમરનો નંબર 1 ખેલાડી બન્યો છે, તેણે મહાન બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ (38 વર્ષ અને 73 દિવસ) તોડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની વન-ડે સિરીઝમાં રોહિતે 101ની એવરેજથી 202 રન બનાવ્યા હતા જેમાં છેલ્લી મેચમાં ફટકારેલી સદી નિર્ણાયક સાબિત થઈ હતી.
- વિરાટ કોહલીને એક સ્થાનનું નુકસાન
બીજી તરફ, બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે. ત્રીજી વન-ડેમાં 74 રન બનાવ્યા હોવા છતાં તે હવે 725 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. ભારત માટે શ્રેયસ અય્યરે એક સ્થાન ઉપર આવીને નવમું સ્થાન મેળવ્યું છે.
- સ્પિનર રાશિદ ખાન ટોચના સ્થાને યથાવત
બોલિંગ રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન ટોચના સ્થાને યથાવત છે. ભારતના કુલદીપ યાદવ એક સ્થાન સરકીને સાતમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ બે સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાના એડમ ઝામ્પા પણ બે સ્થાન ઉપર આવીને 12મા સ્થાને છે.
- ઓમરઝાઈ નંબર 1 પર યથાવત
ઓલરાઉન્ડર રેન્કિંગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ 334 પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે, જ્યારે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા બીજા સ્થાને છે. રોહિતે પોતાની કારકિર્દીમાં પહેલીવાર આ સ્થાન મેળવીને ક્રિકેટ જગતમાં ફરી એકવાર પોતાની છાપ છોડી છે.
- રોહિત પહેલા આ ખેલાડી નંબર-1 પર રહી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પાંચમો ભારતીય બેટર છે. રોહિત પહેલા સચિન તેંડુલકર , એમએસ ધોની, વિરાટ કોહલી અને શુભમન ગિલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.



