જામનગર શહેરમાં કોલેરાના કેસોમાં સતત વધારો થતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 12 ફેબ્રુઆરીએ વધુ પાંચ લોકોના રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 સુધી પહોંચી ગઈ છે.
માહિતી મુજબ, બેડી-ધરાનગર-1 વિસ્તારને મહાનગરપાલિકાએ કોલેરા પ્રભાવિત જાહેર કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈ તપાસ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રહેવાસીઓને ક્લોરિનની ગોળીઓ આપવામાં આવી રહી છે તેમજ ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવા સૂચના આપવામાં આવી છે.
દૂષિત પાણીની સંભાવનાને ધ્યાનમાં રાખી ત્રણ શંકાસ્પદ નળ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. સાથે સાથે મુખ્ય પાણી લાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે.
શરૂઆતમાં માત્ર ત્રણ કેસ નોંધાયા હતા, પરંતુ સંખ્યા ધીમે ધીમે વધીને પહેલા 12 અને હવે 20 સુધી પહોંચી છે. હાલમાં 22 શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ લેબમાં તપાસ હેઠળ છે. વધુ કેસ પોઝિટિવ આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
આ તરફ સ્થાનિક નાગરિકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા અને ગટરની યોગ્ય જાળવણી ન થવાને કારણે રોગચાળો ફેલાયો છે. કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા હોવા છતાં પૂરતું ધ્યાન ન અપાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોગ્ય તંત્ર દ્વારા હોસ્પિટલોને સતર્ક રાખવામાં આવી છે અને જરૂરી દવાઓ તથા સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.


Leave a Comment