અમરેલીમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની હતી.
લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડી
લાઠીના આંબરડી ગામે ખેતરમાં વીજળી પડી હતી. ત્યારે ખેતરમાં કામ કરવા દરમિયાન વીજળી અચાનક પડી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
એક જ પરિવારના 5 લોકોના મોત
તમને જણાવી દઈએ કે લાઠીના આંબરડી ગામે વીજળી ત્રાટકી હતી અને ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતા હતા, તે સમયે વીજળઈ ત્રાટકતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે. મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા છે. ત્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે, જેમને પણ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. ત્યારે હાલમાં નાના એવા ગામમાં 5 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ છે.
મૃતકોના નામ
1.ભારતી બેન સાંથળીયા
2. શિલ્પા સાંથળીયા
3. રૂપાલી દલસુખભાઈ વણોદિયા
4. રિદ્ધિ ભાવેશ સાંથળીયા
5. રાધે ભાવેશભાઈ સાંથળીયા
જામનગરના કાલાવડમાં વીજળી પડતા એકનું મોત
બીજી તરફ જામનગરના કાલાવડમાં પણ વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. કાલાવડ તાલુકામાં સતત પાંચમા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે યુવાન પર વીજળી પડતા મોત થયું છે. નાની વાવડી ગામે યુવાન પોતાના પશુને ચરાવવા લઈ ગયો હતો, તે દરમિયાન માલધારી યુવાન પર વીજળી પડી હતી. વીજળી પડતા યુવાનને તાત્કાલિક 108 મારફતે કાલાવડ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. જો કે હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મૃતક યુવાનનું નામ સંદીપ બધાભાઈ રાતડીયા હોવાનું જાણવા મળ્યું છે.
બગસરા પંથકમાં ખેતીના તમામ પાકમાં અવિરતપણે વરસાદની અસર
અમરેલી જિલ્લાના બગસરામાં આ વર્ષ ચોમાસાની સિઝનમાં 11.88 મિમી 47 ઈંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતીના તમામ પાકોમાં નુકસાની થઈ છે. બગસરા પંથકમાં કુલ જમીન 29,895 હેકટર ખેતીની જમીન છે, જેમાં મગફળીનું 4,784 હેકટરમાં વાવેતર, કપાસનું 14,072 હેકટરમાં વાવેતર તેમજ સોયાબીનનું 6,524 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
તાત્કાલિક સર્વ કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
બગસરા પંથકમાં આ વર્ષ ચોમાસાની સિઝનમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં મગફળીના પાકમાં વ્યાપક વરસાદ પડતાં મગફળીના પોપટામાંથી દાણા ઉગી ગયા અને પાક બળી ગયો તેમજ કપાસના ફૂલ ખરી ગયા અને ઢળી પડ્યા તેમજ સોયાબીનનો પાક બળી ગયો અને છોડ પણ ઢળી પડ્યા અને ખેડૂતોમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતોના તમામ પાક નિષ્ફળ થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે અને ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વ કરી અને સહાય આપે તેવી માગ કરી રહ્યા છે.
Source link