Gandhinagarટ્રાફિકના 5 કે તેથી વધુ ઇ-મેમા ન ભરનારા 525 વાહનચાલકોના લાઇસન્સ રદ થશે

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી સર્વેલન્સથી નંબરપ્લેટના આધારે ઇ-મેમો આપવામાં આવે છે. બીજી તરફ વાહનચાલકો આ ઇ-મેમોને ગંભીરતાથી લેતા નથી અને દંડની રકમ ભરતા નથી.
ત્યારે આ સ્થિતિ વચ્ચેગાંધીનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જે વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને પાંચ કે તેથી વધુ ઈ-મેમો મેળવ્યા છે અને તેનો દંડ ભર્યો નથી, તેવા 525 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં મળેલી એક બેઠકમાં નિર્ણય લેવાયો
આ નિર્ણય આરટીઓ ડી.બી. વણકર, આરએન્ડબી, કમાન્ડ એન્ડ કંટ્રોલ હેડ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની ઉપસ્થિતિમાં મળેલી એક બેઠકમાં લેવાયો હતો. આ કડક પગલાંનો હેતુ એ છે કે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ઈ-મેમોના દંડને ગંભીરતાથી લે.
લાયસન્સ રદ કરતા પહેલાં નોટિસ અપાશે
મોટર વ્હિકલ એક્ટ મુજબ, લાઇસન્સ રદ કરતા પહેલાં આરટીઓ દ્વારા વાહનચાલકોને નોટિસ મોકલીને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. આ નોટિસમાં તેમને પૂછવામાં આવશે કે શા માટે તેમનું લાઇસન્સ રદ ન કરવું જોઈએ. આ માટે વાહનચાલકોને 10 દિવસનો સમય આપવામાં આવશે.